વાયબ્રન્ટ ગુજરાત માટે વડોદરાએ રંગ રાખ્યો, મહત્તમ મૂડીરોકાણના MOU કર્યા
- વડોદરામાં રોકાણકારો વરસી પડ્યાઃ વિવિધ ક્ષેત્રમાં ૧૯ એકમો દ્વારા રૂ. ૫૩૫૯ કરોડમાં એમઓયુ થયા.
- વાયબ્રન્ટ ગુજરાતને પરિણામે રાજ્યના ઔદ્યોગિક વિકાસની કાયાપલટ થઇ છે -ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા.
આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે.
- વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ થકી છેવાડાના નાનામાં કારીગરોને પ્રોત્સાહન મળે છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રમોટ કરવામાં ફાયદો થશે- હર્ષ સંઘવી
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પ્રેરણાદાયી રહ્યો છે. વડોદરા શહેર મોટા ઉદ્યોગો જેમકે પેટ્રોકેમીકલ ફાર્મા ઓટોમોટિવ, સાયન્સ અને ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને અન્ય માદયમિક અને ઉચ્ચ પ્રાદ્યોગીક ઉદ્યોગોનું ઘર છે તથા એમએસએમઇ ઉદ્યોગ માટે ઘણી બધી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણા ખાનગી ઔદ્યોગિક પાર્ક વિકસી રહ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરા સાથે વિવિધ ટેકનિકલ સેશન્સ પણ યોજાયા હતા. જેમાં નિકાસ, નાણાકીય વ્યવસ્થાપન સહિતની બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી અને મહાનુભાવો દ્વારા અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લેવામાં આવી હતી. ખાસ કરીને તેમણે ટાટા એરબસ અને એલએન્ડટીના સ્ટોલને રસપૂર્વક નીહાળ્યો હતો.
આ પણ વાંચો: નિરાશ ન થશો, 2000ની ચલણી નોટ RBI હજુ સ્વીકારે છે