ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરાઃ પોસ્ટમોર્ટમની કામગીરી પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે ફાળવવામાં આવી

વડોદરા, તા. 30 જુલાઈ, 2025: વડોદરા શહેરમાં હવેથી એસ.એસ.જી. હોસ્પિટલની સાથે જી.એમ.ઈ.આર.એસ. સંસ્થા દ્વારા સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમની કામગીરી થશે. વડોદરા શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને કુલ ૨૫ પોલીસ સ્ટેશનને અલગ-અલગ હોસ્પિટલ ફાળવી હતી.

જાહેરનામા અંતર્ગત એસ.એસ.જી. હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા હાલ કરવામાં આવતી પોસ્ટમોર્ટમની કામગીરીનું ભારણ ઓછુ કરવા માટે તેમજ વહેલી તકે પોસ્ટમોર્ટમ થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગોત્રીના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સીકોલોજી વિભાગ ખાતે પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવા માટે વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે.

વડોદરા શહેરના ૧૭ પોલીસ સ્ટેશન વિસ્તારની પોસ્ટમોર્ટમની કામગીરી એસ.એસ.જી. સરકારી હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ ખાતે થશે. આ પોલીસ સ્ટેશનોમાં છાણી, નંદેસરી, જવાહરનગર, રાવપુરા, નવાપુરા, પાણીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર, મકરપુરા, બાપોદ, સીટી, વારસીયા, કુંભારવાડા, કારેલીબાગ, હરણી અને સમા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ જ રીતે ગોત્રી, જે. પી. રોડ, અકોટા, અટલાદરા, સયાજીગંજ, ફતેહગંજ, ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન – એમ કુલ ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગોત્રીના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સીકોલોજી વિભાગ ખાતે થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રીસર્ચ માટે રાજ્ય સરકાર આપશે 10 લાખની સહાય, “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર”ને મળી મંજૂરી

Back to top button