ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટા ખુલાસા થતા પોલીસે તપાસ વધારી

Text To Speech
  • 1150 કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે
  • ગેંગરેપના બનાવમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલી
  • પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટા ખુલાસા થતા પોલીસે તપાસ વધારી છે. જેમાં ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં તાંદલજામાં ભાડેથી રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની આરોપીઓની સંડોવણી ખૂલ્યા બાદ પોલીસ કમિશનરે તમામ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સૂચના આપી છે.

પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા

ભાયલીમાં ગેંગરેપના બનાવમાં પરપ્રાંતીયોની સંડોવણી ખૂલતાં પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારોમાં મકાનો, તેના ભાડા કરાર તેમજ વાહનો સહિતની ચકાસણી કરવા સૂચના આપી હતી. જેમાં પોલીસે ભાડા કરાર નહિ કરનારા 9 જેટલા મકાન માલિક સામે ગુનો નોંધવા તજવીજ કરી છે. તેમજ પોલીસ દ્વારા એક ડઝનથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા છે.

શહેર પોલીસે હદના વિવાદમાં પડયા વગર રાત દિવસ મહેનત કરી

ઉલ્લેખનીય છે કે વડોદરાની સગીરા પર ગેંગરેપના બનાવની ગંભીરતા જોઇ વડોદરા શહેર પોલીસે હદના વિવાદમાં પડયા વગર રાત દિવસ મહેનત કરીને પોલીસ બેડામાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું. જેમાં ભાયલીમાં સગીરા પર ગેંગરેપનો બનાવ વડોદરા જિલ્લા પોલીસની હદમાં બન્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો નોંધાયો હતો. પરંતુ બનાવની ગંભીરતા જોતાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસમાં જોડાવા સૂચના આપી હતી.

1150 કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડ,પીઆઇ આર એ જાડેજા અને લેડી પીઆઇ હેતલ તુવેર સહિત કુલ 65 પોલીસ જવાનોની જુદીજુદી ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ અલગ કામ સોંપાયું હતું. પોલીસે જ્યાં સુધી આરોપી હાથ ના લાગે ત્યાં સુધી ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. બનાવ બન્યો તેની આસપાસના વિસ્તારો તેમજ શકમંદ આરોપી જ્યાંથી આવ્યા અને ક્યાં ગયા ત્યાં સુધીના રૂટ પરના સરકારી, કોર્પોરેશન તેમજ ખાનગી કેમેરા મળી 1150 કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે.

Back to top button