વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં વડોદરા જળબંબાકાર, મકાનો, રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાવ
વડોદરા: 27 ઓગસ્ટ 2024, વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. શહેરના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી પાણી ભરાયા છે, તો મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર જળબંબાકાર થયો છે. વરસાદી આફતને પહોંચી વળવા આર્મી અને એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ જેટલા વરસાદે શહેરની હાલત ખરાબ કરી નાંખી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે
વડોદરા જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી 9 ફૂટ વધુ એટલે કે 35.25 ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રીની આસપાસમાં આવેલી તમામ સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતા અનેક લોકો ફસાયા છે.વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે વડોદરા શહેરની હાલત વધુ બગડી હતી. શહેરમાં કરોડો રૂપિયાના બંગલોથી લઈને ઝૂંપડાં ડૂબી ગયાં છે. હાલ વડોદરામાં એનડીઆરએફની 01 અને એસડીઆરએફની 02 ટીમ પણ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. શહેરના વિશ્વામિત્રી નદીના તમામ બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
3000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ભારે વરસાદમાં કેટલાક વાહનચાલકોએ કરેલા જુગાડ ન ચાલતા 2 ફુટ ઊંચા ડિવાઈડર પર વાહન પાર્ક કરી ઘરે જવા મજબૂર બન્યા હતા.શહેરમાં અત્યાર સુધી 3000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગઈકાલે ઝૂંપડાઓમાં પાણી ઘૂસ્યાં હતાં.વડોદરા શહેરના વડસર ગામ પાસે આવેલી કાંસા રેસીડેન્સી સંપર્ક વિહોણી બની છે, કાંસા રેસીડેન્સીની આસપાસ અને કાંસા રેસીડેન્સીની અંદર પાણી ફરી વળ્યા છે અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કાંસા રેસીડેન્સીમાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. કાંસા રેસીડેન્સીમાં બીમાર 9 મહિનાની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે.ફાયર બ્રિગેડે બાળકીનો મૃતદેહ બોટમાં રેસ્ક્યૂ કરી બહાર લાવાયો છે.આજવા સરોવરની સપાટી 214 ફૂટ છે. ત્યારે, પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃમોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો, માળિયા હાઇવે 36 કલાક માટે બંધ કરાયો