વડોદરાઃ સાયબર અપરાધમાં મદદ કરવા બદલ પ્રાઈવેટ બેંકની મહિલા કર્મચારીની ધરપકડ
- આ મહિલા કર્મચારી રૂ. 20,000 લઈને કોઈ વેરિફિકેશન વિના સાયબર અપરાધીઓને બેંક ખાતાં ખોલી આપતી હતી
વડોદરા, 21 સપ્ટેમ્બર, 2024: સાયબર અપરાધીઓને મદદ કરીને નિર્દોષ નાગરિકોને ફસાવવાના ગુના હેઠળ વડોદરામાં એક ખાનગી બેંકની એક મહિલા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર એક ખાનગી બેંકની મહિલા કર્મચારી – ખૂશ્બુ મિશ્રાની સાયબર અપરાધીઓને મદદ કરતી હતી. બેંકની આ મહિલા કર્મચારી કોઈ વેરિફિકેશન વિના સાયબર અપરાધીઓને બેંક ખાતાં ખોલી આપવા માટે નાણાં લેતી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બે સાયબર અપરાધીઓની પૂછપરછ દરમિયાન એ બાબતનો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ખૂશ્બુ મિશ્રાએ તેમને વેરિફિકેશન વિના બેંક ખાતાં ખોલવામાં મદદ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આવાં ખાતાં ખોલવા માટે ખૂશ્બુ રૂપિયા 20,000 લેતી હતી. આ ઘટના અંગે ચેતવણી ઉચ્ચારતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘણી વખત કેટલીક અન્ય બેંકોના કર્મચારીઓ પણ યોગ્ય વેરિફિકેશન વિના બેંક ખાતાં ખોલી દેતા હોય છે જેને કારણે સાયબર અપરાધીઓ બીજાનાં નાણાં ઓળવી જવામાં સફળ રહેતા હોય છે. પોલીસનું કહેવું છે કે, આ અંગે ક્યારેક બેંકના સિનિયર અધિકારીઓ પણ જવાબદાર હોય છે જેઓ જુનિયર અધિકારીઓના આવી બેજવાબદાર અથવા ઇરાદાપૂર્વકની કામગીરીની ઉપેક્ષા કરતા હોય છે જેમાં જુનિયર અધિકારીઓ યોગ્ય વેરિફિકેશન વિના અથવા સદંતર વેરિફિકેશન વિના ખાતાં ખોલી દેતા હોય છે.
આ પણ વાંચોઃ અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત સાત સામે FIR