વડોદરાઃ ફેશન શો દ્વારા ‘નવા ભારતની નવી ખાદી’ની આધુનિક સ્વરૂપમાં રજૂઆત

વડોદરા, 10 માર્ચ, 2025: ‘નવા ભારતની નવી ખાદી’ને નવો આયામ આપવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે રવિવારે ઝોનલ કક્ષાના ખાદી પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકરીયા અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ મનોજ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રદર્શનમાં ખાદી અને ગ્રામોદ્યોગના 75થી વધુ એકમોએ ભાગ લીધો હતો. જેમાંથી 45 ખાદી અને 30 ગ્રામોદ્યોગ સંબંધિત છે. આ પ્રદર્શન 22 માર્ચ 2025 સુધી ચાલશે. ઉદ્ઘાટન પ્રસંગે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના સહયોગથી ‘ખાદી ફેશન શો’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, નાગપુર અને અન્ય રાજ્યોમાંથી ખાદી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. જે હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા કપાસ, ઊન, સિલ્ક અને પોલીકોટન ઉત્પાદનોની વિવિધતા દર્શાવે છે. અહીં અથાણાં, જામ, મધ, અગરબત્તી અને આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો સહિતની દૈનિક જરૂરિયાતો માટે ગ્રામીણ ઉદ્યોગના ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં ઉપલબ્ધ તમામ ઉત્પાદનો સ્વદેશી અને ઇકો-ફ્રેન્ડલી છે.
પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે આયોજિત ખાદી ફેશન શોમાં ખાદીની ઉત્કૃષ્ટ રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનો હેતુ ખાદીને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાનો છે. પ્રદર્શનમાં લાઈવ ડેમો દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને તેની બનાવટની પ્રક્રિયા સમજવવાનો છે.
ઉદ્ઘાટન સમારંભને સંબોધતા KVICના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરો માટે નવા બજારો પૂરા પાડવાનો આ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ની દ્રષ્ટિને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વડોદરાના લોકોને વધુમાં વધુ સંખ્યામાં ખાદી પ્રદર્શનમાં આવવા અને ભારતના વારસાને સ્વીકારવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ખાદી ભારતની રાષ્ટ્રીય ધરોહર છે અને તેને અપનાવીને આપણે રાષ્ટ્રની સેવા કરી શકીએ છીએ.
કેવીઆઈસીના અધ્યક્ષે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 244 નોંધાયેલી ખાદી સંસ્થાઓ દ્વારા 23505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન રૂ.174.45 કરોડ હતું અને કુલ વેચાણ રૂ.327.72 કરોડ હતું. આ નાણાકીય વર્ષમાં પીએમઈજીપી હેઠળ 1255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે. જ્યારે 150 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા સ્ફુર્તિ ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન KVICના અધ્યક્ષે ખાદીના ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે, જે રૂ.31000 કરોડથી વધીને રૂ.1,55,000 કરોડ થયો છે. ખાદીના કપડાના વેચાણમાં 6 ગણો વધારો થયો છે, જે રૂ. 1,081 કરોડથી વધીને રૂ.6496 કરોડ થયો છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં 10.17 લાખ નવા લોકોને રોજગારી મળી છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદીના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80% થી વધુ યોગદાન માતાઓ અને બહેનો દ્વારા આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓ, ખાદી કામદારો અને ગુજરાત સરકાર તથા કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD