વડોદરા ચૂંટણી જંગ: જાણો વડોદરા લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?
2 મે 2024 વડોદરા: 2024 લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી ડો હેમાંગ જોશી અને કોંગ્રેસમાંથી જસપાલસિંહ પઢિયાર વચ્ચે સીધી ટક્કર થશે. તો આવો જાણીએ વડોદરા લોકસભામાં કેટલી બેઠકોનો સમાવેશ થાય છે અને 2022 વિધાનસભામાં કયા પક્ષે કઈ બેઠક જીતી હતી. તેમજ 2019 માં બંને મુખ્ય પક્ષોના ઉમેદવાર કોણ હતા અને કેટલી લીડથી કોણ જીત્યું હતું
વડોદરા લોકસભામાં 10 વિધાનસભાનો સમાવેશ
મધ્ય ગુજરાતમાં આવેલી વડોદરા લોકસભા બેઠકમાં કુલ 10 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમા 5 શહેરની અને 5 જિલ્લાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. શહેરની વિધાનસભાઓમાં વડોદરા, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુરનો સમાવેશ થાય છે. અને જિલ્લાની વિધાનસભાઓમાં સાવલી, વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણનો સમાવેશ થાય છે. હાલ આ લોકસભાની તમામ 10 બેઠકો ભાજપ પાસે છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં 10 માંથી 9 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. એકમાત્ર પાદરા વિધાનસભા ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો પરંતુ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી ફરીથી ચૂંટણી થતા ભાજપમાંથી તેઓ વિજયી થયા હતા. જ્યારે 2019 લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ટિકિટ અપાઇ હતી. અને સામે કોંગ્રેસમાંથી પ્રશાંત પટેલ મેદાને હતા જેઓ હાર્યા હતા.
2019 માં રંજનબેન ભટ્ટ 5,89,177 ની લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને 8,83,719 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલને 2,94,542 મત મળ્યા હતા. એટલે કે કુલ વોટના 72% મત ભાજપને મળ્યા અને 24.07% વોટ કોંગ્રેસને મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 5,89,177 મતોની લીડથી જીત્યા હતા.
2,14,583 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી ડો. હેમાંગ જોશીને ટિકિટ અપાઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ અગાઉ 2014 લોકસભામાં કોંગ્રેસમાંથી નરેન્દ્ર રાવત મેદાને હતા અને તેઓ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે હાર્યા હતા. વડોદરા લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024 માં 19,41,583 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 17,27000 હતી. આ વખતે 2,14,583 નવા યુવા મતદારો મત આપશે
ભાજપમાંથી ડો. હેમાંગ જોશીને નવા ઉમેદવાર તરીકે મુકાયા
2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી નરેન્દ્ર રાવત અને ભાજપના રંજનબેન ભટ્ટ મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ અને ભાજપમાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ મેદાન હતા. જેમાં ભાજપનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢીયાર અને ભાજપમાંથી ડો.હેમાંગ જોશીને ઉતારવામાં આવ્યા છે. જ્યારે આ વખતે વડોદરા લોકસભા બેઠક પર કોણ બાજી મારશેએ જોવાનું રહ્યું?