આસ્થા ટ્રેનમાં રામલલાના દર્શને અયોધ્યા જતાં વડોદરાના શ્રદ્ધાળુને હાર્ટ-એટેક આવ્યો
વડોદરા, 10 ફેબ્રુઆરી 2024, અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શને જવા માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. શુક્રવારે બપોરે વડોદરાથી 1,400 જેટલા શ્રધ્ધાળુઓને લઇ આસ્થા ટ્રેન અયોધ્યા જવા માટે રવાના થઇ હતી. આ ટ્રેનમાં વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામના માજી સરપંચ પણ રામલલ્લાના દર્શન કરવા માટે ભારે શ્રદ્ધા પૂર્વક ગયા હતા. ખંડવા પૂર્વે તેઓને હાર્ટ-એટેક આવતા મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ તેમના ગામમાં વાયુવેગે ફેલાતા ગમગીની ફેલાઇ ગઇ હતી.
આસ્થા ટ્રેનમાં અયોધ્યા જવા નીકળ્યા હતાં
મળતી માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામના રહેવાસી 67 વર્ષિય રમણભાઇ બાબુભાઇ પાટણવાડી વડોદરાથી ઉપડેલી આસ્થા ટ્રેનમાં અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. તેઓ સાથે તેમનો પુત્ર અનિલ તેમજ ગામના 12 જેટલા લોકો ગયા હતા.વડોદરાથી રવાના થયેલી ટ્રેનમાં સવાર રમણભાઇ પાટણવાડીયા અને તેમના ગૃપ સહિત યાત્રીકોએ રાત્રે રામધૂન કરી હતી. તે બાદ તમામ યાત્રાળુઓ સૂઇ ગયા હતા. મોડી રાત્રે રમણભાઇ લઘુશંકા જવા માટે ઉઠ્યા હતા. તે દરમિયાન એકાએક તેઓને ચક્કર આવતા અન્ય એક યુવાન યાત્રીક જોઇ જતાં તેઓને પકડી લીધા હતા અને તેમને તેજ સ્થળે સુવાડી દીધા હતા.
મૃતદેહ વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરી
આ અંગેની જાણ નજીકના કોચમાં સવાર ભાજપના માજી કાઉન્સિલર રાજેશ આયરેને કરતા તરત જ તેઓ અન્ય યાત્રિકો સાથે આવી પહોંચ્યા હતા. કોચમાં સવાર યાત્રિકોએ તેઓને CVR આપ્યો હતો. પરંતુ કોઇ ફળદાયી પરિણામ મળ્યું ન હતું. નજીકમાં આવી રહેલા ખંડવા રેલવે સ્ટેશન ટ્રેન રોકવામાં આવી હતી અને બેભાન રમણભાઇને ઉતારી લેવામાં આવ્યા હતા અને ટ્રેનને અયોધ્યા રવાના કરવામાં આવી હતી. બીજી બાજુ ખંડવા ખાતેથી તબીબોને બોલાવી રમણભાઇને સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રમણભાઇએ અંતિમ શ્વાસ લઇ લીધો હતો. આજે સવારે તેઓનું ખંડવા ખાતે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેઓનો મૃતદેહ વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃCAA લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં લાગુ થશે: અમિત શાહ