વડોદરામાં દુષ્કર્મની કોશિશથી યુવતીએ પ્રૌઢના ગુપ્તાંગ પર ચપ્પુ માર્યું, જાણો વિગત
વડોદરા, તા.15 નવેમ્બર, 2024: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરા તાલુકાના એક ગામમાં 20 વર્ષની યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી 60 વર્ષના વૃદ્ધે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ પોતાની આબરૂ બચાવવા ધારદાર ચપ્પુ વૃદ્ધના ગુપ્તાંગ પર મારી ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શું છે મામલો
પાદરાના એક ગામમાં રહેતી 20 વર્ષની યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. સવારે ઘેરથી ભેંસોનું વાંસીદુ ભરીને ખેતરમાં નાંખવા માટે ગયા બાદ ત્યાંથી ત્રણ-ચાર ખેતર નજીક આવેલ તલાવડીની પાળે માટી લેવા માટે ગઇ હતી. દરમિયાન તલાવડીની પાળે 60 વર્ષીય ભીખાભાઈ મણીભાઈ ચૌહાણ ઘરની નજીક ઉભા હતા. તેણે યુવતીને તારું કામ છે તું મારા ઘરની અંદર આવ તેમ કહી બોલાવી હતી.
યુવતી ભીખાભાઈ સાથે તેમના ઘરની અંદર જતા જ ભીખાભાઇએ એકદમ દોડીને ઘરનો દરવાજો બંધ કરી દઈ શરીર પહેરેલા કપડા પોતે કાઢી નાંખ્યા હતા અને યુવતીને પકડવા માટે જબરજસ્તી કરી હતી. પરંતુ યુવતી ભીખાભાઈના હાથમાં આવી નહોતી. આ સમયે ઘરમાં પડેલું ચપ્પુ યુવતીના હાથમાં આવી ગયું હતું.
યુવતીએ આબરૂ બચાવવા ધારદાર ચપ્પુ ભીખાભાઈના ગુપ્તાંગ માર્યું હતું. જેથી લોહી નીકળવા લાગ્યું હતું. ઝપાઝપીમાં ભીખાભાઈનો મોબાઇલ નીચે પડી જતા તે મોબાઇલ લઇને યુવતી ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી બૂમાબૂમ કરી હતી. પરંતુ ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાથી યુવતી રોડ પર પહોંચીને પોલીસને ફોન કરી મંદિરે જતી રહી હતી. ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.
આ પણ વાંચોઃ ટ્રમ્પે વેક્સિનના કટ્ટર વિરોધીને આપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, જાણો કોણ છે