વડોદરા, 26 જૂન 2024, ગુજરાતમાં હાલમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે વડોદરાની પ્રાથમિક શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.6ના ભાજપના કાઉન્સિલર હેમીષાબેન ઠક્કરે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને મસ્તીખોર મોનિટર કહ્યા હતા.
મસ્તીખોર બાળકને અમારા સમયમાં અમે મોનિટર બનાવતા
વડોદરામાં વોર્ડ નં-6ના ભાજપના કાઉન્સિલર હેમીષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, તમને થતું હશે કે વિધાનસભાના દંડક એટલે શું. તો દંડક એટલે મોનિટર. આપણી સ્કૂલમાં આપણો મોનિટર હોય છે ને. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે, શાળામાં સૌથી મસ્તીખોર, જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે, રેગ્યુલર આવે નહીં. જ્યારે પણ ટીચર લેસન જોવા જાય ત્યારે એનું લેસન કમ્પલીટ ન હોય એ મસ્તીખોર બાળકને અમારા સમયમાં અમે મોનિટર બનાવતા હતા.
વડોદરા શહેર અને જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત
તો મોનિટર એટલે ક્લાસની સારસંભાળ રાખનાર એવા આપણા વિભાનસભાના દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ પાડો. વડોદરા શહેર અને જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. જેમાં બાલવાડીથી લઈને ધો.11 સુધીમાં 52 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11,874 બાળકો, આંગણવાડીમાં 5232 બાળકો, ધોરણ-1માં પ્રવેશપાત્ર 11,593 બાળકો, ધોરણ-9માં 13486 બાળકો તેમજ ધોરણ-11માં પ્રવેશપાત્ર 4963 વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો