વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 72 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે, 5મીએ મતદાન
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો. ત્યારે શહેર અને જિલ્લાની તમામ બેઠકો પર હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પરથી 17 ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાતા હવે વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 72 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.
વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર કુલ 187 ફોર્મ ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન 37 ફોર્મ અમાન્ય ઠરતા રદ કરવામાં આવ્યા હતા અને બે દિવસ ફોર્મ પરત ખેંચવાના સમય દરમિયાન 17 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ત્યારે હવે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર 72 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ઉમેદવારી પત્ર પરત ખેંચવાના બે દિવસ દરમિયાન સૌથી વધારે ફોર્મ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ખેંચાયા હતા. આ બેઠક પરથી આપના ડમી ઉમેદવાર સહિત કુલ 4 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાયા હતા. જ્યારે વડોદરા શહેર વિધાનસભા બેઠક પરથી એકપણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાયું ન હતું.
વડોદરા શહેર અને જિલ્લાની તમામ 10 બેઠકો પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પર 5 ઉમેદવારો, અકોટા બેઠક પર 11 ઉમેદવારો, રાવપુરા બેઠક પર 7 ઉમેદવારો, માંજલપુર બેઠક પર 8 ઉમેદવારો જ્યારે વડોદરા શહેર બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વડોદરા જિલ્લાની પાદરા બેઠક પર 6 ઉમેદવારો, કરજણ બેઠક પર 6 ઉમેદવારો, સાવલી બેઠક પર 6 ઉમેદવારો, વાઘોડિયા બેઠક પર 7 ઉમેદવારો તેમજ ડભોઇ બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.