વડોદરા બોટ ટ્રેજેડીઃ પોલીસ FIRમાં આરોપીઓના સરનામા ખોટા, એક આરોપી તો હયાત જ નથી
વડોદરા, 19 જાન્યુઆરી 2024, શહેરમાં હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. એક બાદ એક નાના ભૂલકાંઓના મૃતદેહ જોઈને લોકોમાં આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી ચર્ચાઓ છે. ત્યારે દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું સરનામું જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચાણ કરી દેવાયો હતો. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે. દુર્ઘટનામાં નાના ભુલકાઓનો જીવ ગયો તેની આ રીતે તપાસ થશે એવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.
પોલીસે જાહેર જનતા પાસે મદદ માગી
વડોદરા પોલીસે દુર્ઘટના અંગે જાહેર જનતાને અપીલ કરતો પત્ર જાહેર કર્યો છે.આ પત્રમાં પોલીસ દ્વારા ઘટના સંદર્ભે કોઇપણ માહિતી, ફોટોગ્રાફ્સ, વીડિયો, CCTV ફુટેજની માહિતી હોય તો તેને આપવા અપીલ કરી છે. પોલીસે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એમ પણ કહ્યું છે. કોઇ વ્યક્તિ નિવેદન આપવા માંગતી હોય તો હરણી પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારીનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે
આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યારે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.
આ પણ વાંચોઃવડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી સકિનાના છેલ્લા શબ્દો હતાં ‘આજ તો મજા આને વાલી હૈ’