વડોદરા, 21 ફેબ્રુઆરી 2024, હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતાં. આ બનાવમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આજે હાઈકોર્ટે કરેલી સુઓમોટો પિટીશનની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે સોગંદનામું કરીને જણાવ્યું હતું કે, 40માંથી 21 લેકમાં સલામતીનાં કોઈ સાધનો જ નહોતાં. સલામતી સાઘનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યારે 19માં બોટિંગ ચાલી રહ્યું છે. નળ સરોવરમાં લાઈફ જેકેટ પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરાયા
સરકારે કોર્ટમાં ફાઈલ કરેલ એફિડેવિટમાં જણાવ્યું છે કે, દુર્ઘટનામાં બધા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાયો છે. રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ હોય તેની માહિતી આપવામાં આવી છે. વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઈન લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ નિયમો સેફ્ટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી અપાઈ છે. જ્યાં નિયમો પળાતા નહોતા ત્યાં રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરાયા છે. અર્બન વિભાગ દ્વારા 13 મેમ્બરની કમિટી બનાવાઈ છે. જે વોટર બોડીઝમાં પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક, બાંહેધરી, નિયમો વગેરે બનાવવા ઉપર કાર્ય કરશે. અમદાવાદમાં પણ નળ સરોવર અને અક્ષર રિવર ક્રુઝ ખાતે લાઇફ જેકેટની વ્યવસ્થા કરાઇ છે. બોટમેનને પણ લાયસન્સ આપવામાં આવશે.
ટેન્ડરમાં સુરક્ષા મુદ્દે કોઈ જોગવાઈ કરાઈ નહોતી
કોર્ટે જણાવ્યું હતું કે, હરણી તળાવમાં કયા નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવા આપવામાં આવી હતી તેની ઉપર કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવતું હતું કે કેમ? જે અંગે VMCનો જવાબ નકારમાં હતો. એગ્રિમેન્ટ અને ટેન્ડરમાં સુરક્ષા મુદ્દે કોઈ જોગવાઈ કરાઈ નહોતી. ઇન્સ્પેક્શન પણ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કરાવ્યું હતું નહીં કે સુરક્ષાને લઈને. VMCએ કોન્ટ્રાક્ટરને તેની રીતે બોટ ચલાવવા દીધી તેને સીધું કામ આપીને પૈસા કમાવવાની મંજૂરી આપી દીધી હતી. VMCએ બધું સારું સારું બતાવવા આ પ્રમાણેની કામગીરી કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ઉપર કોન્ટ્રાક્ટરને બોટ ચલાવવા આપી તેનું VMCનું રિઝોલ્યુશન કોર્ટે માગ્યું હતું.
આ પણ વાંચોઃડીસાના બે ડૉક્ટરોને ઓનલાઈન ટ્રેડિંગ કરવુ ભારે પડ્યું, 51.20 લાખ રૂપિયા ગુમાવ્યા