વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો, બે શખ્સોએ મારામારી કરતા મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી
- વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું
- આરોપી બંટી અને ભરત હુમલો કરી ફરાર
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરામાં થોડા દિવસ પહેલા ભાજપના કાર્યકર સચિન ઠક્કરની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેમાં સચિન ઠક્કર પર કરાયેલા હુમલાનો વિડીયો સામે આવ્યા બાદ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વાહન પાર્કિંગની જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હજી તે ઘટનાને થોડો જ સમય થયો છે. જે બાદ વધુ એક ભાજપ કાર્યકર પર હુમલાની ઘટના સામે આવી છે. વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પર બે શખ્સોએ હુમલો કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રાકેશ પાટણવાડીયા પર બે શખ્સોએ હુમલો કર્યો
અહેવાલ થકી મળતી માહિતી પ્રમાણે,વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે.વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પર બે શખ્સોએ હુમલો કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે. જો કે, આ મામલે મકરપુરા પોલીસસ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા ગત 5 ઓગસ્ટે રાત્રે બામણ ગામ તેમના બહેનના ઘરેથી પરત આવી રહ્યા હતા.ત્યારે વડોદરાના નોવીનો ત્રણ રસ્તા પાસે તેઓ મિત્રની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
અપશબ્દો બોલવાનું ન કહેતા તેણે ઝપાઝપી શરૂ કરી
કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા મિત્રની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક કાર આવીને આગળ ઉભી રહી અને કારમાંથી બંટી નામનો શખ્સ ઉતર્યો અને રાકેશભાઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જે બાદ તેઓએ અપશબ્દો બોલવાનું ન કહેતા તેણે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું.જે બાદ કારમાંથી ભરત તાંબે નામનો શખ્સ લાકડી લઈને ઉતર્યો હતો.જે બાદ બંટી અને ભરતે બંનેએ થઈને રાકેશભાઈને ઢોરમાર માર્યો હતો. આ વેળાએ આજુબાજુના લોકો ભેગા થઈ જતાં બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાદ રાકેશ પાટણવાડીયાને હાથ અને પગના ભાગે ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જો કે, બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને શખ્સોએ જૂની અદાવતના લીધે ભાજપ કાર્યકર રાકેશ પાટણવાડીયા પર હુમલો કર્યો હતો. હાલ મકરપુરા પોલીસે ભરત અને બંટી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમિત શાહે ભાજપ કાર્યકરોમાં ભર્યો ઉત્સાહનો પારો, 2024નો રોડમેપ આપતા કહ્યું- આવી જાવ મેદાનમાં