વડોદરાઃ મહીસાગર નદી બે કાંઠે થતાં ગળતેશ્વર બ્રિજ પાસે જળસ્તર વધ્યું, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પગલે મોટા ભાગની નદીઓ બે કાંઠી વહી રહી છે. જેના પગલે અનેક જળાશયો પણ છલકાયા છે. ત્યારે કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વણાકબોરી આડબંધના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સર્વ પ્રકારે સતર્કતા રાખવાની સૂચનાના અનુસંધાને સાવલીના પ્રાંત અધિકારી દ્વારા ડેસર તાલુકાના ગળતેશ્વર પૂલ ખાતે, વધતા જળસ્તરને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને લાંછનપુર ગામના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કાંઠે ન જવા સહિતની તકેદારીઓ પાળવા સાવધાન કરવામાં આવ્યા છે.
હાલ ત્યાં સ્થળાંતરની કોઈ જરૂર જણાઈ નથી. જ્યારે વડોદરા તાલુકાના મામલતદાર અને પોલીસ તંત્રને સિંધરોટ તેમજ અન્ય નીચાણવાળા ગામોમાં તકેદારી અને સાવધાનીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં સીઝનનો 98 ટકાથી વધુ વરસાદ, 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આજે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.