વડોદરા: લવજેહાદનો કિસ્સો, મોહસીને મનોજ બની પરણિતાને ફસાવી


- મોહસિન અયુબખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે ઓળખ આપી
- બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી
- ભાંડો ફૂટતા મહિલા અને તેના બે સંતાનોને ધર્મ પરિવર્તન માટે ધમકી આપી
વડોદરામાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોહસીને મનોજ બની પરણિતાને ફસાવી છે. શહેરના તાંદળજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે આપીને બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી હતી.
મોહસિને પરિણીતા સાથે લગ્નનું તરકટ કર્યું હતું
મુસ્લિમ હોવા છતાં હિન્દુ વિધિ મુજબ મોહસિને પરિણીતા સાથે લગ્નનું તરકટ કર્યું હતું. ગત ઉત્તરાયણના રોજ પરિણીતાને મોહસિનની અસલિયતની જાણ થઈ હતી. તેણે આ અંગે મોહસિનને કહેતા ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ મોહસિને પરિણીતાને અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.
ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી 90 હજારની લોન પણ લેવડાવી
મોહસિને પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારે ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી 90 હજારની લોન પણ લેવડાવી હતી. આ ઉપરાંત તેણે પરિણીતા પાસેથી 1 લાખ રોકડા લીધા હતા, અને પોતાના મિત્રના નામે મોપેડ લીધું હતું. પરિણીતાએ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત: દિવંગત અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસનો સાથ છોડ્યો