ગુજરાતટોપ ન્યૂઝ

વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર. PM મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, વડનગર પ્રાચીનત્તમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. મુખ્યમંત્રીએ બૌધવિહારો, કિર્નિતોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ની સમાધિ જેવી ભવ્ય વિરાસતોના વાહક નગર તરીકે વડનગરની આગવી ઓળખ ઉભી થઇ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે PM મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. આ સંદર્ભમાં વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ વિશેષતા બનશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

‘વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે’
ભારત સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે વડનગર એક પવિત્ર ધામ છે. વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે. ક્લાઇમેટ ચેન્જની ઐતિહાસિક સ્મારકો પરની અસર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારકા જેવું ભવ્ય નગર અને સંસ્કૃતિ ડૂબી ગયા, એ ઇતિહાસ આપણા માટે બોધપાઠ રૂપ બનવો જોઈએ. વડનગરમાં બૌદ્ધ મઠ મળી આવ્યા છે, કુશીનગર, સારનાથ, ગયાની જેમ વડનગર પણ બુદ્ધિસ્ટ સર્કિટનો એક ભાગ છે. ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની તેમણે જાહેરાત પણ કરી હતી. તેમણે ઉમેર્યું કે આ આજના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે યોજાઈ રહેલી આ કોન્ફરન્સ એક આઇકોનિક દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખાશે. PMની જન્મભૂમિ વડનગરના ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર સમાન વારસાને આજની યુવા પેઢી સુધી પહોંચાડવાનો આ અપ્રતીમ અવસર છે એ માટે સૌએ જનજાગૃતિ કેળવવા સંકલ્પબદ્ધ બનવું પડશે. ભૂતકાળમાં આ આપણા સાંસ્કૃતિક વારસાને નેસ્તનાબૂદ કરવા અનેક આક્રમણો થયા તેમ છતાંએ આજે આપણો વારસો અકબંધ છે. તેને ઉજાગર કરીને ભાવિ પેઢીને આપવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે વડનગરનું કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધિક અવશેષો, હાટકેશ્વર મહાદેવ જેવા ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આજની આ કોન્ફરન્સ અત્યંત મહત્વની પુરવાર થશે.

વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.18મી મેથી 20મી મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના 6 રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button