ગુજરાતટોપ ન્યૂઝ

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલ વિરૂદ્ધ સૂર છેડ્યા, કહ્યું તેમને ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. હજુ તો ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ ત્યાં પક્ષપલટો, પક્ષથી નારાજગી સહિતની ઘટનાઓ સામે આવવા લાગી છે. બુધવારે ટ્વીટ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ગુરુવારે કોંગ્રેસ સામે ભડાશ કાઢી હતી. જોકે હાર્દિક હવે કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે સસ્પેન્શ યથાવત છે. હાર્દિક પટેલે જે રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા તેને લઈને હવે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી અને હાર્દિક પટેલને લઈને કહ્યું હતું કે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી.

જિજ્ઞેશ મેવાણી બીજું શું કહ્યું?
મેવાણીએ હાર્દિકને આડે હાથ લેતાં વધુમાં કહ્યું કે- તેઓ જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી. તેમને પ્રેસ-કોન્ફરન્સમાં અંબાણી અને અદાણી કેમ યાદ આવ્યા? તેમણે કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે. રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી?

જેમણે પ્રેમ આપ્યો તેમને હવે હાર્દિક ગાળો આપે છે
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું કે-
કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે, હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતાં, ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક બનાવ્યા હતાં, પ્રચાર માટે હેલિકોપ્ટર-ચોપર આપ્યા હતાં. જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તે લોકોને હાર્દિક હવે ગાળો બોલી રહ્યો છે.

હાર્દિક વિરૂદ્ધ 32 કેસ છે એટલે દબાણમાં હશેઃ જિજ્ઞેશ મેવાણી
વડગામના ધારાસભ્યએ હાર્દિક પટેલના કેસનો ઉલ્લેખ કરીને વધુમાં કહ્યું કે- હાર્દિક પર 32 કેસ છે એટલે બની શકે કે તેમના પર દબાણ હોઈ શકે એટલે રાજીનામું આપ્યું છે. સાથે જ 22મી મેના રોજ વાવ ખાતે સર્વ જ્ઞાતિ સંમેલન યોજીશું. જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કર્યો હતો કે માત્ર પાટીદારો સામે જ કેમ કેસ પરત ખેંચાયા. ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા. પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ કેમ પરત નથી લેવાયા.

ગુજરાત કોંગ્રેસ વિરોધી છે એ બોલવું યોગ્ય નથી
મેવાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના પ્રશ્નો અંગે મારી સાથે ચર્ચા કરી છે. અસામમાં ફરિયાદ મામલે મારી માટે અડધી રાતે રાહુલ ગાંધી ઉઠ્યા છે. વિચારધારા એ વસ્ત્ર નથી, એ રગોમાં હોવી જોઈએ. અમે ઝુકવાના નથી, એકાદ મિત્રો છોડી જાય એ યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસ વિરોધી છે એ બોલવું યોગ્ય નથી. હાર્દિકે બિલો ધ બેલ્ટ તરીકે રાજીનામું આપ્યું છે.કોંગ્રેસનો પંજો એસ.સી, એસ.ટી, માઈનોરીટી, ઓબીસી સાથે છે.કોંગ્રેસના શાસનથી અત્યાર સુધી આભડછેટની સમસ્યા દૂર નથી થઈ, એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, એ કોંગ્રેસના મંચ પરથી કહું છું.

Back to top button