વડગામ: પ્રથા ગોસ્વામીના હત્યારાને કડક સજા કરવા ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું


વડગામ: સૌરાષ્ટ્ર તળાજા, કોડીનાર તાલુકાના જાત્ર ખાડી ગામની આઠ વર્ષની દીકરી પ્રથા કૌશિક ગીરી મેઘનાથી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી લાશને અવાવરું જગ્યાએ ફેકી દેવામાં આવી હતી. આ ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. અને દશનામ ગોસ્વામી સમાજમાં આ ઘટનાને લઈને આક્રોશની લાગણી પ્રસરી છે. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રાજ્યમાં ઠેરઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.
સમાજ દ્વારા આરોપી ને કડક સજા અને દીકરીના પરિવારને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. ત્યારે શનિવારે વડગામ તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વડગામ મામલતદાર જી.કે.મકવાણાને આવેદનપત્ર આપવા માં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા દશનામ ગોસ્વામી સમાજના યુવા સામાજિક કાર્યકર કમલેશ ભારતી ગોસ્વામીના નેતૃત્વમાં તાલુકાના તમામ યુવા અગ્રણી અમૃતપુરી ગોસ્વામી, વડગામ બાર એસોસિયેશન પ્રમુખ ભૂપત સિંહ ચૌહાણ, દિનેશભારથી ગોસ્વામી, મુકેશભારથી ગોસ્વામી, અશોકભારથી ગોસ્વામી, પુષ્પાબેન ગોસ્વામી,જીગરભારથી ગોસ્વામી સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.