બનાસકાંઠાના ચાર તાલુકાઓમાં નર્મદા પાણી પહોંચાડવા ઉદ્વહન પાઈપલાઈન યોજનાને મંજૂરી
- દિયોદર, થરાદ, ડિસા અને લાખણીમાં પાણી પહોંચાડવા રૂ.૧,૦૫૬ કરોડ ફાળવાયા
- જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી વહીવટી મંજૂરી
- ચાર તાલુકાઓના કુલ ૧૨૪ ગામોનાં ૧૮૯ તળાવો ભરવાનું આયોજન
- બનાસકાંઠા વિસ્તારનાં ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ મળશે
ગાંધીનગર, 1 ઓક્ટોબર : બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ ૦૪ તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં પાઇપલાઇન યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ચાર તાલુકાઓ માટે રૂ.૧,૦૫૬ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ૫૩.૭૦ કિ.મી. લંબાઇની મુખ્ય પાઇપલાઇન તથા ૪૧૨.૬૫ કિ.મી. લંબાઇના શાખા–પ્રશાખા પાઇપલાઇનના નેટવર્કથી ઉપરોક્ત ચાર તાલુકાઓના કુલ ૧૨૪ ગામોનાં ૧૮૯ તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી બનાસકાંઠા વિસ્તારનાં ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ મળશે તેમ, જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જણાવ્યું હતું.
જળ સંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારીત ૧૪ પાઇપલાઇનોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૩ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પુરક સિંચાઇ અને ભુગર્ભ જળ રિચાર્જ માટે તળાવો/ સુજલામ સુફલામ સ્પ્રેડિગ કેનાલ/ ઉત્તર ગુજરાતના જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.