ઉત્તરકાશી ટનલ કટોકટીઃ હવે વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા બચાવ અભિયાન
- ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ઓગર મશીનના તૂટ્યા બાદ હવે વર્ટિકલ ડ્રિલિંગ શરુ કરવામાં આવ્યું છે.
ઉત્તરકાશી, 26 નવેમ્બર: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે છેલ્લા 15 દિવસથી પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બચાવ કામગીરીના માર્ગમાં વારંવાર અવરોધોને કારણે મજૂરોને બચાવવા માટે કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી. તાજા મળતા સમાચાર પ્રમાણે ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે હવે વર્ટિકલ ડ્રિલિંગ શરુ કરવામાં આવ્યું છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Vertical drilling underway at the site of the rescue of 41 workers. pic.twitter.com/DQTFHDtIIq
— ANI (@ANI) November 26, 2023
ઓગર મશીન સરિયાની જાળમાં ફસાયા બાદ લેવામાં આવ્યો નિર્ણય
શુક્રવારની સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીનની સામે સરિયાની જાળ આવી જતાં ઓગર મશીનની બ્લેડ સરિયાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. ઓગર મશીનનો આગળનો ભાગ લોખંડની પાઇપના છેડે ખરાબ રીતે અટવાઇ અને તૂટી ગયો હતો, જેના કારણે ઓગર મશીનનું કામ અટક્યું હતું. ત્યાર બાદ સ્થળ પર જ મિંટિગ કરીને ટનલમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે વર્ટિકલ ડ્રિલિંગ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે હવે ડ્રિલિંગ મશીન દ્વારા ટેકરી પરથી વર્ટિકલ ડ્રિલિંગ શરુ કરવામાં આવ્યું છે.
12 નવેમ્બરથી કામદારો ફસાયેલા છે
ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ ‘ઓલ વેધર રોડ’ પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે 10 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.
8 રાજ્યોના 41 મજૂરો ટનલમાં ફસાયા છે
ઉત્તરકાશીની ટનલમાં 8 રાજ્યોના 41 મજૂરો ફસાયા છે. જેમાં ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે.
આ પણ વાંચો: ટનલ દુર્ઘટના: ભારતીય સેના કામદારોને બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરશે