ઉત્તરાયણ પૂર્વે મોતની દોરીથી બચવા ટુ-વ્હિલર માટે સેફ્ટી ગાર્ડની ધૂમ ખરીદી થઇ રહી છે. જેમાં ટુ-વ્હિલર ધીમે ચલાવવા, ગ્લાસવાળી હેલ્મેટ પહેરવા તજજ્ઞોનો અનુરોધ છે. તેમજ મકરસક્રાંતિ પૂર્વે પતંગના દોરાએ ગળુ કાપી નાંખતા આશાસ્પદ બે યુવાનોએ મોતની ચાદર ઓઢી હતી. કાળજુ કંપાવી મુકે એવી ઘટનાએ નગરજનોને ધ્રુજાવી દીધા છે. ઉત્તરાયણ પૂર્વે ટુ-વ્હિલર ચાલકો માટે સેફ્ટી ગાર્ડ(તાર) વેચનારાઓ રાજમાર્ગો પર ઊતરી આવ્યા છે. તેઓએ નાગરિકોની મજબુરીનો લાભ લઇ ભાવ પણ વધારી દીધા છે.
આ પણ વાંચો: વડોદરા: પોલીસે 14 દિવસમાં રૂ.13.58 લાખની ચાઇનીઝ સાથે 7 લોકોની અટકાયત કરી
ટુ-વ્હિલર પર સેફ્ટી ગાર્ડ-તાર બાંધવાનો ભાવ રૂ.50 હતો
આગામી તા.14 અને 15મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના બે દિવસીય પતંગોત્સવ પૂર્વે નગરજનોએ પતંગ-દોરા સહિતની સાધન-સામગ્રી ખરીદવા માંડી છે. સામાન્યત ગતવર્ષો દરમિયાન ટુ-વ્હિલર પર સેફ્ટી ગાર્ડ-તાર બાંધવાનો ભાવ રૂ.50 હતો. જે આ વર્ષે કેટલાક સ્થળોએ રૂ. 70થી 100 લેવાય છે. જેના અંતર્ગત કારણોમાં વર્ષના પ્રારંભિક દિવસો દરમિયાન પતંગના દોરાને લીધે શહેરના આશાસ્પદ બે યુવાનોનું ગળુ કપાઇ જતા મૃત્યુ પામતા સર્વત્ર ગભરાટનો માહોલ જારી છે. જેને પગલે સેફ્ટીને વિશેષ પ્રાધાન્ય આપવાનું ચલણ શરૂ થતા સેફ્ટી ગાર્ડ-રોડ (તાર)ની માંગમાં ધરખમ વધારો થતા વેપારીઓએ રાતોરાત ભાવ વધારી દીધા છે.
આ પણ વાંચો: ગુજરાતની જાણીતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું રેગિંગ
ટુ-વ્હિલર પર સેફ્ટી તાર બાંધી આપનારાઓએ અડિંગો જમાવ્યો
શહેરની ઔધોગિક વસાહતની નાની ફેક્ટરીઓમાં તૈયાર કરાતા સેફ્ટી ગાર્ડ-રોડ(તાર)નું વેચાણ આ વર્ષે અનેકગણું વધ્યું છે. હાલમાં જ્યુબિલીબાગ પાછળ, રાજમહેલ રોડ, મકરપુરા-પ્રતાપનગર રોડ, કારેલીબાગ સંગમ ચારરસ્તા, ગેંડીગેટ, માંજલપુર, આજવારોડ, વાઘોડિયા-ડભોઇ રીંગરોડ, ઇલોરાપાર્ક, રેસકોર્સ, માંડવી-બેંકરોડ સહિત મુખ્ય રાજમાર્ગોના કિનારે ટુ-વ્હિલર પર સેફ્ટી તાર બાંધી આપનારાઓએ અડિંગો જમાવ્યો છે. જ્યારે, ઠંડીથી બચાવવા સહિત ગળાની રક્ષા કરતા મફલરની માગમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. જેને પગલે કલાભવન ગ્રાઉન્ડ ખાતેના વુલન માર્કેટ, મંગળબજાર, રાવપુરા સહિત વિવિધ વિસ્તારોના શો-રૂમમાંથી આ વર્ષે ધૂમ ખરીદી નિકળતા મફલરના ભાવ પણ રૂ.210થી 250 સુધી પહોંચ્યો છે.