ઉત્તરાખંડ અકસ્માતમાં મૃત્યુઆંક થયો 8; સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
ગાંધીનગર: ગુજરાતની એક બસ ઉત્તરાખંડમાં દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં પડી હતી. અકસ્માતમાં મૃતકોના આંકડામાં વધારો થતાં 8 પર પહોંચી ગયો છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાની ટ્વિટમાં કહ્યું કે, “ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.”
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. મળતી માહિતી મુજબ, બસ નંબર (યુકે 07 8585) 33 મુસાફરો સાથે ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ આવી રહી હતી. આ દરમિયાન બસ બેકાબૂ થઈ ખાઈમાં પડી ગઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 28 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે.
ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ 8 મૃતદેહ પણ મળી આવ્યો છે. એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જિલ્લા હોસ્પિટલમાંથી વધુ બે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી છે.
ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે.