ઉત્તર પ્રદેશ: બળાત્કારી પીડિતાની કુહાડી મારી હત્યા, 36 કલાકથી હત્યારા ફરાર
- જેલમાંથી છુટતાની સાથે જ બળાત્કારી પીડિતાની કુહાડી મારી હત્યા કરી
- બળાત્કારી પીડીતાના હત્યા કેસમાં પોલીસે 4 લોકો સામે કેસ નોંધ્યો, આરોપીઓ છેલ્લા 36 કલાકથી ફરાર
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના કૌશમ્બીમાં સગીર બળાત્કાર પીડિતાની હત્યાના સંબંધમાં પોલીસે 4 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવારે સાંજે રસ્તાની વચ્ચોવચ કુહાડીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી રેપ પીડિતા પર સમાધાન માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ પીડિતા સમાધાનનો ઇનકાર કરી રહી હતી. જે બાદ આરોપીઓએ બળાત્કારી પીડીતાની કુહાડી વડે હત્યા કરી હતી.
આ ઘટના મહેવાઘાટ વિસ્તારના એક ગામમાં બની હતી. પીડિતાનો પરિવાર અને આરોપી બંને એક જ ગામના છે. વર્ષ 2022માં પવન નિષાદ નામના વ્યક્તિએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ પવન વિરુદ્ધ મે 2022માં મહેવાઘાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને આરોપી પવનને જેલમાં મોકલી આપ્યો હતો.
બળાત્કાર પીડિતાની કુહાડીથી કાપીને હત્યા કરવામાં આવી
થોડા સમય પહેલા જ આરોપી જેલમાંથી છૂટ્યો હતો. આરોપ છે કે બહાર આવ્યા બાદ પવન અને તેના મોટા ભાઈ અશોક નિષાદ પીડિત યુવતીના પરિવાર પર સમાધાન માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ યુવતીએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. આ વાત પર પવન ગુસ્સે થઈ ગયો. ત્યારબાદ સોમવાર, 20 નવેમ્બરના રોજ પીડિતા ઘરની બહાર વસ્તુઓ લેવા માટે ગઈ હતી. પરત ફરતી વખતે આરોપી પવન અને તેના ભાઈ અશોક નિષાદે ખુલ્લેઆમ યુવતી પર કુહાડી વડે અનેક વાર હુમલા કર્યા, જેના કારણે બળાત્કારી પીડિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતું. અશોક પણ થોડા મહિના પહેલા એક હત્યાના કેસમાં જામીન પર બહાર આવ્યો હતો.
મૃતકની ભાભીએ ફરિયાદ નોંધાવી
બળાત્કારી પીડિતાની હત્યા બાદ મૃતકની ભાભીએ પોલીસમાં ફરિયાદ આપી છે કે પવન અને અશોકે પ્રભુ અને લોકચંદ્રભાઈ સાથે મળીને યુવતીની હત્યા કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર આરોપીએ તેને માથા પર ત્રણ વાર અને ગરદન પર એક વાર ઘા માર્યો હતો.
પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો
આ બાબતે એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, મહેવાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ સમુદાયના બે પક્ષો વચ્ચે જૂની દુશ્મનાવટ અને મુકદ્દમાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં એક પક્ષના લોકોએ 20 વર્ષની યુવતી પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મોડી રાત્રે પ્રયાગરાજના ADG અને IG પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: મુંબઈ પોલીસને કૉલ આવ્યો, “મુંબઈમાં કોઈ મોટી ઘટના બનવાની છે”