ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર પ્રદેશ : વારાણસીમાંથી ઝડપાયું કરોડોનું મેફેડ્રોન ડ્રગ્સ, બે પેડલરની ધરપકડ

વારાણસી, 18 માર્ચ : દેશમાં ગેરકાયદે ડ્રગ્સનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પોલીસ અને નાર્કોટિક્સ વિભાગના સતત પ્રયાસોને કારણે મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. જેનો તાજો કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીનો છે. અહીં યુપી એસટીએફ અને મહારાષ્ટ્ર પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ડ્રગ્સની એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીંથી લગભગ રૂ.2.64 કરોડની કિંમતની ‘મ્યાઉ-મ્યાઉ’ ડ્રગ્સ મેફેડ્રોન જપ્ત કરવામાં આવી છે, જે રૂ. 2 કરોડ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જપ્ત કરાયેલા રસાયણો અને દવાઓની કુલ કિંમત આશરે 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

બે ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરાઈ

આ દરોડા અંગે મહારાષ્ટ્રના થાણેના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) શિવરાજ પાટીલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે વારાણસીના ભગવતીપુરના પિન્દ્રા ગામમાં ચાલતી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે. અહીંથી કરોડો રૂપિયાની કિંમતનો મેફેડ્રોન (2.6 કિલો) જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેને ‘મ્યાઉ-મ્યાઉ’ ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે. પોલીસે આ ફેક્ટરીમાંથી કુલ રૂ. 27.8 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહીંથી બે ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ 4 શખસોની કરાઈ હતી ધરપકડ

નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે થાણે પોલીસ ડ્રગની દાણચોરી અને વેચાણ સાથે સંકળાયેલા રેકેટની તપાસ કરી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કાસરવડાવલી વિસ્તારમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વસઈ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પાસેથી 14 લાખ રૂપિયાની કિંમતનો 4.81 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા આરોપીઓએ પોલીસને ઓમ ગુપ્તા ઉર્ફે મોનુ વિશે જણાવ્યું, જે તેના સાગરિતો સાથે ડ્રગ્સનું કારખાનું ચલાવતો હતો.

વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક સૂચનાના આધારે, વરિષ્ઠ નિરીક્ષક દિલીપ પાટીલ અને યુપી એસટીએફની આગેવાની હેઠળની એક ટીમે વારાણસીના ભગવતીપુરમાં પિન્દ્રા ખાતેની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો અને અતુલ અશોકકુમાર સિંહ (ઉ.વ.26) અને સંતોષ હદબદી ગુપ્તા (ઉ.વ.38)ની ધરપકડ કરી હતી. આ કામગીરી સાથે પોલીસ તે સ્ત્રોત સુધી પહોંચવામાં સફળ રહી જ્યાંથી પ્રતિબંધિત સામગ્રીનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં આવતું હતું. અહીંથી ડ્રગ્સ લઈ ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચવામાં આવતું હતું. મેફેડ્રોન પ્રતિબંધિત દવા છે.

મેફેડ્રોન દવાઓનું કોડ નેમ ‘મ્યાઉ-મ્યાઉ’ છે

ઉલ્લેખનીય છે કે ‘મ્યાઉ-મ્યાઉ’ મેફેડ્રોનનું કોડ નેમ છે, જેનો ઉપયોગ દાણચોરો કરે છે. તે ડ્રોન, એમ-કેટ, વ્હાઇટ મેજિક અને બબલ જેવા નામોથી પણ ઓળખાય છે. ભારત અને ચીનમાં તે છોડ માટે કૃત્રિમ ખાતર તરીકે બનાવવામાં આવે છે. પરંતુ તેનો નશો તરીકે પણ મોટા પાયે ઉપયોગ થાય છે. વર્ષ 2010 સુધી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં ‘મ્યાઉ-મ્યાઉ’નો સમાવેશ થતો ન હતો. પરંતુ વર્ષ 2015માં કેન્દ્ર સરકારે તેને પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ કરી હતી.

એક કિલોની કિંમત બે કરોડ રૂપિયા છે

વિશ્વના 53 દેશોમાં મેફેડ્રોન પર પ્રતિબંધ છે. ઇઝરાયેલ દ્વારા 2008માં પ્રથમ વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી બ્રિટને 2010માં અને અમેરિકાએ 2011માં પ્રતિબંધ લગાવ્યો હતો. મેફેડ્રોનની પ્રતિ ગ્રામ કિંમત છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. વર્ષ 2021માં તેની કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ હતી જે વર્ષ 2022માં વધીને 15 હજાર રૂપિયા થઈ ગઈ છે. હાલમાં તેની કિંમત 20 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ જણાવવામાં આવી રહી છે. આ દવાની માંગ ઝડપથી વધી રહી છે.

Back to top button