ભારતમાં વેચાતા સેરેલેકમાં ખાંડની ભેળસેળ, Nestle પ્રોડક્ટ્સ અંગેના અહેવાલમાં મોટો ઘટસ્ફોટ
નવી દિલ્હી, 18 એપ્રિલ: Nestle કંપનીની બે સૌથી વધુ વેચાતી બેબી-ફૂડ બ્રાન્ડ્સમાં તાજેતરમાં મોટી માત્રામાં ઉમેરવામાં આવેલી ખાંડ હોવાનું બહાર આવ્યું હતું. સ્વિસ કંપનીઓ પર નજર રાખતી વેબસાઈટ ‘પબ્લિક આઈ’ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે નેસ્લે બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશોમાં આ બેબી-ફૂડ પ્રોડક્ટ્સ વેચે છે ત્યારે તેમાં ખાંડ હોતી નથી. Nestle સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત કંપની છે, જેની પ્રોડક્ટ્સ આખી દુનિયામાં વેચાય છે.
‘પબ્લિક આઈ’ના રિપોર્ટ પ્રમાણે, કે નેસ્લે ઘણા દેશોમાં બેબી મિલ્ક અને સેરેલેક ઉત્પાદનોમાં ખાંડ અને મધનો ઉપયોગ કરે છે. આમ કરવું એ સ્થૂળતા અને ક્રોનિક રોગોને રોકવાના હેતુથી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. નેસ્લે દ્વારા નિયમોના ઉલ્લંઘનના કિસ્સા એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળ્યા છે. જોકે, કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં તમામ નિયમોનું પાલન કરી રહી છે.
ભારતમાં વેચાતી 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં સુગર
તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેચાતી તમામ 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ હોય છે. જ્યારે આફ્રિકાના ઈથોપિયા અને એશિયાના થાઈલેન્ડ જેવા દેશોમાં 6 ગ્રામ સુધી ખાંડ મળી આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે જ્યારે જર્મની અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં સમાન ઉત્પાદનો વેચવામાં આવે છે ત્યારે તેમાં ખાંડ હોતી નથી.
પેકેજિંગ દ્વારા નેસ્લે ખાંડ અંગેની વિગતો છુપાવી રહી છે
Nestleની હોંશિયારી એ હકીકત પરથી પણ સ્પષ્ટ થાય છે કે તે ઘણી વખત ઉત્પાદનના પેકેજિંગ પર કેટલી ખાંડ ધરાવે છે તેની માહિતી આપી નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “નેસ્લે તેના ઉત્પાદનોમાં હાજર વિટામિન્સ, ખનિજો અને અન્ય પોષક તત્વો વિશે માહિતી પ્રદાન કરે છે, પરંતુ જ્યારે ખાંડ ઉમેરવાની વાત આવે છે, ત્યારે તે બિલકુલ પારદર્શક નથી.” નેસ્લેએ 2022માં ભારતમાં રૂ. 20,000 કરોડથી વધુની કિંમતની સેરેલેક પ્રોડક્ટ્સ વેચી છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી રહેશો દંગ