ગુજરાતના આ જિલ્લામાં માર્ગ-મકાન પંચાયત વિભાગના કામોમાં JCBના બદલે કાર અને રિક્ષાનો ઉપયોગ
- સ્થળ પર કામો થયાં જ નથી અને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ ઓડિટ વિભાગની તપાસમાં થયો
- 79 લાખ રૂપિયા એજન્સીઓને ચૂકવી દીધા હોવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ
- ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં માર્ગ-મકાન પંચાયત વિભાગના કામોમાં JCBના બદલે કાર અને રિક્ષાનો ઉપયોગ થયો છે. જેમાં અરવલ્લી જિલ્લામાં માર્ગ-મકાન (પંચાયત) વિભાગમાં કામો કર્યા વિના જ સરકારની તિજોરીમાંથી અધધ 79 લાખ રૂપિયા એજન્સીઓને ચૂકવી દીધા હોવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: સોસાયટીના ગેટ પાસે રમી રહેલા 4 વર્ષના બાળકને કારચાલકે કચડયો
સ્થળ પર કામો થયાં જ નથી અને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ ઓડિટ વિભાગની તપાસમાં થયો
સ્થળ પર કામો થયાં જ નથી અને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ ઓડિટ વિભાગની તપાસમાં થયો છે. જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઓડિટમાં ખુલાસો થયો છે. ઓડિટ વિભાગે ખુલ્લી પાડેલી સરકારી નાણાંની ઉચાપતની અત્યંત આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અરવલ્લી જિલ્લામાં માર્ગ-મકાન (પંચાયત) વિભાગ દ્વારા વર્ષ 2015-2016 તથા વર્ષ 2016-2017માં વિવિધ સ્થળોએ રોડ સાઇડના જંગલ કટીંગના, ખાડા પુરવાના, રસ્તા રિપેરીંગના સહિતના ચાલુ મરામતના કામો કરવામાં આવ્યાં હતાં. જેમાં જેસીબી દ્વારા આ કામો હાથ ધરવામાં આવ્યાં હતા તેવો દાવો કરવામાં આવ્યો હતો. જે પેટે સરકારની તિજોરીમાંથી રૂ.79,14,850 જેવી મોટી રકમ જે તે સમયે એજન્સીઓને ચૂકવાઇ પણ ગઇ હતી.
ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી
પરંતુ વર્ષ 2016-વર્ષ 2017 દરમિયાન ઓડિટમાં આ કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. ઓડિટ વિભાગ મુજબ કોન્ટ્રાક્ટરોએ કામો માટે ઉપયોગમાં લીધેલા વાહનોના નંબર દર્શાવ્યા હતા, તેમાં માપપોથીમાં જેસીબી દર્શાવ્યાં હતાં. પરંતુ આરટીઓમાં નોંધાયેલા વાહનોની તપાસ કરી તો હીરો હોન્ડા બાઇક, બોલેરો જીપ, ઇનોવા, સુઝુકી એક્સસ, મારૂતિ ઝેન, પીયાગો રિક્ષા, અતુલ રિક્ષા, સ્પ્લેન્ડર બાઇક, રિક્ષા, ટીવીએસવીગો, પ્લેઝર, એક્ટીવા જેવા વાહનો નીકળ્યાં હતા. આ વાહનોથી રસ્તા રીપેરીંગ, મરામતના કામો થઇ જ ન શકે. સરકારની આંખોમાં ધૂળ નાખવા માટે કાગળ પર અલગ-અલગ 12 વખત જેસીબીનો ઉપયોગ કર્યો હોવાનું જણાવી લાખો રૂપિયાની રકમ સરકારમાંથી સેરવી લીધી હતી. ત્યારે ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી હતી.