વરસાદે યુએસએને Super 8sમાં ક્વોલીફાય કર્યું અને પાકિસ્તાનને ઘરભેગું
15 જૂન, લાઉડરહિલ (ફ્લોરિડા): છેવટે જેની આશા રખાઈ રહી હતી તેમ જ થયું. યુએસએ અને આયરલેન્ડ ખાતે અહીં રમાનારી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ રમાય અને આયરલેન્ડ જીતે તેવી પાકિસ્તાનની ઈચ્છા પર પાણી ફરી વળતા યુએસએ Super 8sમાં ક્વોલીફાય થઇ ગયું હતું.
ગ્રુપ A જેમાં ભારત, યુએસએ, આયરલેન્ડ, કેનેડા અને પાકિસ્તાન છે તેની પરિસ્થિતિ જ એવી હતી કે આ મેચના પરિણામ પર સમગ્ર આધાર હતો કે કઈ ટીમ આગલા રાઉન્ડમાં જશે. પાકિસ્તાન તેની પ્રથમ જ મેચમાં યુએસએ સામે સુપર ઓવરમાં હારી ગયું હતું. ત્યારબાદ ભારત સામે ફક્ત 120 રન્સનો ટાર્ગેટ પણ એચીવ કરી શક્યું ન હતું. તો બીજી તરફ યુએસએએ કેનેડા સામેની પોતાની પ્રથમ મેચ જીતી લીધી હતી.
ભારતે પણ અનુક્રમે આયરલેન્ડ, પાકિસ્તાન અને યુએસએને હરાવી દીધું હતું. આમ ભારત 6 પોઈન્ટ્સ અને યુએસએ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર અનુક્રમે પહેલા અને બીજા નંબરે આવી ગયા હતા. પાકિસ્તાનને કેનેડા સામે મોટો વિજય મેળવવાની જરૂર હતી પરંતુ તેણે એ મેચ છેક 18મી ઓવર સુધી ખેંચી અને તેને લીધે તેનો નેટ રનરેટ પણ એટલો ઉપર આવ્યો નહીં જેટલી તેને જરૂર હતી. આથી ગ્રુપ Aનું ભવિષ્ય યુએસએ અને આયરલેન્ડ વચ્ચેની આ મેચ પર નિર્ભર થઇ ગયું હતું.
લાઉડરહિલ જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી ભરપૂર વરસાદ છે અને ફ્લોરિડા રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ છે ત્યાં મેચ નહીં જ રમાય તેવી ભીતિ તમામને હતી. પરંતુ ગુરુવારથી અહીં અચાનક જ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો હતો. વરસાદ ઓછો થયો હતો અને તડકો વધુ સમય રહેવા લાગ્યો હતો.
પરંતુ ગઈકાલે અહીં ફરીથી વરસાદની આગાહી હતી અને સવારથી જ અહીં વરસાદ પડવા લાગ્યો હતો. જો કે મેચ શરુ થાય તેના બે કલાક પહેલાં વરસાદ બંધ થઇ જતાં આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ મેચ સમયસર તો ચાલુ નહીં થાય એ નક્કી હતું. ગ્રાઉન્ડ સ્ટાફ પોતાનાથી બનતી તમામ મહેનત કરી રહ્યો હતો કે જેથી ગ્રાઉન્ડ રમવા લાયક બને.
પીચ અને તેની આસપાસનો વિસ્તાર તો એકદમ કોરો હતો પરંતુ બાઉન્ડ્રી અને તેની નજીકના વિસ્તારમાં પાણીના જાણેકે તળાવ ભરાયા હોય એવું લાગતું હતું. અમ્પાયરોએ પણ ખૂબ રાહ જોઈ પરંતુ એક સમયે ફ્લોરિડાના હવામાન ખાતા તરફથી વીજળી સાથે વરસાદ આવી રહ્યો હોવાની જાહેરાત થઇ અને તેના તુરંત બાદ જોરદાર વરસાદ શરુ થઇ ગયો.
બસ, આ વરસાદે નક્કી કરી લીધું કે સહ-યજમાન યુએસએ Super 8sમાં ક્વોલીફાય થશે જ્યારે પાકિસ્તાન જેને હજી એક મેચ રમવાની બાકી છે તે ઘરભેગું થશે. ગઈકાલના વરસાદે આજની ભારત અને કેનેડાની મેચ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે.