યુએસ ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ: બાંગ્લાદેશને હરાવી સિરીઝ જીતી
24 મે, હ્યુસ્ટન: યુએસ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન ખાતે રમાઈ રહેલી 3 T20I મેચોની સિરીઝની બીજી મેચમાં બાંગ્લાદેશને 6 રને હરાવીને યુએસની ટીમે સિરીઝ જીતી લીધી છે. અત્રે એ નોંધનીય છે કે યુએસ ટીમ એ ICCની એસોશીએટ ટીમ છે જ્યારે બાંગ્લાદેશ એક ટેસ્ટ મેચ રમતી ટીમ છે.
હ્યુસ્ટનના પ્રાઈરી વ્યુ ક્રિકેટ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં યુએસ ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાર્ક પટેલે 38 બોલ્સમાં 42 રણ બનાવ્યા હતા અને તેનો યથાર્થ સાથ આપ્યો હતો સ્ટિવન ટેલર અને એરોન જોન્સે. આ ત્રણેયની બેટિંગને કારણે યુએસએ દ્વારા 20 ઓવર્સમાં 144/6 રન્સ બનાવવામાં આવ્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હસન શાંટોએ 36 રન્સ બનાવ્યા હતા પરંતુ ટીમની છેલ્લી 6 વિકેટો માત્ર 32 રન્સમાં પડી જતા યુએસએની 6 રને જીત થઇ હતી અને તેણે 3 મેચોની સિરીઝમાં 2-0ની લીડ લઇ લીધી છે.
પહેલા બોલિંગ કરતાં બાંગ્લાદેશે શરૂઆતની વિકેટો ઝડપથી મેળવવામાં નિષ્ફળતા મેળવી હતી. ત્યારબાદ રીશદ હુસૈને સાતમી ઓવરમાં બે વિકેટો લીધી હતી. પરંતુ તેમ છતાં જોન્સ અને પટેલે યુએસની બાજી સાંભળી લીધી હતી અને 15મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રન્સની પાર કરાવી દીધો હતો.
યુએસએના સ્કોરના જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને સૌરભ નેત્રાવલકરે સૌમ્ય સરકારને પહેલા જ બોલે આઉટ કરી દીધો હતો. તાન્ઝીદ હસને સારી શરૂઆત કરી હતી પરંતુ પાંચમી ઓવરમાં તે પણ આઉટ થઇ ગયો હતો.
અંતિમ 4 ઓવર્સમાં બાંગ્લાદેશને ફક્ત 26 રન્સ જોતાં હતા પરંતુ ત્યારબાદ તુરંત વિકેટો પડવા માંડતા છેલ્લી બે ઓવરોમાં 15 રન્સ બનાવવાના બાકી રહ્યા હતા.
નેત્રાવલકરે 19મી ઓવરમાં ફક્ત ત્રણ રન્સ આપ્યા હતા અને શોરીફૂલની વિકેટ પણ લીધી હતી. છેલ્લી ઓવરમાં 12 રન્સની જરૂર હતી ત્યારે રીશદે ફોર મારી હતી. પરંતુ છેલ્લી ઓવરના ત્રીજા બોલે જ અલી ખાને રીશદને આઉટ કરી દેતાં બાંગ્લાદેશની હાર થઇ હતી અને યુએસ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો હતો.
આ હાર વિશે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કહ્યું હતું કે આ સિરીઝ હાર તેમની ટીમ માટે અત્યંત કમનસીબ છે, પરંતુ તેમ છતાં તેઓ યુએસએની ટીમના તેમના દેખાવ બદલ અભિનંદન આપશે. શાકિબનું માનવું છે કે આવનારા T20 World Cup માટે ટીમે અત્યારથી જ જાગી જવાની જરૂર છે.