વિશેષસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ અગાઉ અમેરિકાએ બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો

Text To Speech

22 મે હ્યુસ્ટન: એક આશ્ચર્યજનક પરિણામમાં અમેરિકાએ બાંગ્લાદેશને ત્રણ મેચની T20I સિરીઝની પહેલી મેચમાં હરાવી દીધું છે. આ ઐતિહાસિક જીત પાછળ ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસન અને ભારતીય મૂળના હરમીત સિંઘનો મોટો હાથ રહ્યો હતો.

બાંગ્લાદેશના ટોચના બેટ્સમેનો જે પહેલેથી જ ફોર્મ બહાર રહ્યા છે તેમણે ફરીથી ટીમને ખરાબ શરૂઆત આપી હતી. સોમ્ય સરકાર સારા ટચમાં લાગતો હતો પરંતુ લિટ્ટન દાસે પોતાનું ખરાબ ફોર્મ ચાલુ રાખતા ધીમી રમત રમ્યા બાદ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. મિડલ ઓર્ડરમાં તોહીદ હ્રીદોય અને મહમદુલ્લાએ ઇનિંગને સાંભળવાનો પ્રયાસ કર્યો હતો. હ્રીદોયે 47 બોલમાં 58 અને મહમદુલ્લાએ 22 બોલમાં 31 રન  બનાવ્યા હતા. પરંતુ પૂર્વ કપ્તાન શકીબ અલ હસન ફરીથી નિષ્ફળ ગયો હતો.

20 ઓવર્સમાં બાંગ્લાદેશે 153 રન્સ બનાવ્યા હતા જે અમેરિકાની નવી ટીમ માટે પડકાર જરૂર કહી શકાય તેવો હતો.

ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાએ સાંભળીને શરૂઆત કરી હતી. સ્ટિવન ટેલર અને એન્ડ્રીયસ ગૌસે ટીમને ધીમેધીમે આગળ વધારવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમ છતાં સામે છેડે તેમની વિકેટો પણ પડતી જતી હતી. એક સમયે અમેરિકાએ 94 રન્સમાં 5 વિકેટો ગુમાવી દીધી હતી.

ત્યારબાદ કોરી એન્ડરસન અને હરમીત સિંઘે બાજી સંભાળી લીધી હતી. તેમણે બાંગ્લાદેશી બોલર્સ ખાસકરીને ટીમના સ્ટાર બોલર મુસ્ત્ફીઝુર રહેમાનને ટાર્ગેટ કર્યો હતો. મુસ્ત્ફીઝુરે પોતાની 4 ઓવર્સમાં 41 રન્સ આપીને 2 વિકેટ લીધી હતી.

કોરી એન્ડરસને 25 બોલમાં 34 રન અને હરમીત સિંઘે માત્ર 13 બોલમાં 33 રમ કરીને અમેરિકાએ બાંગ્લાદેશને ત્રણ બોલ અગાઉ જ પાંચ વિકેટે પરાજય અપાવી દીધો હતો.

બાંગ્લાદેશ પહેલી વાર અમેરિકા સામે રમ્યું હતું અને તેમાં જ તેની હાર થઇ છે. બાંગ્લાદેશ એક ફૂલ ટાઈમ ટેસ્ટ ટીમ છે જ્યારે અમેરિકા ICC ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટ અંતર્ગત જ ક્રિકેટ રમે છે. અમેરિકાએ વિશ્વમાંથી ઘણા પૂર્વ ક્રિકેટરોને ભેગા કરીને પોતાની ટીમ બનાવી છે જેમાં ભારતીય મૂળના અને અમેરિકામાં રહેતા ખેલાડીઓ પણ સામેલ છે.

આટલો મોટો ફરક હોવા છતાં અમેરિકાએ બાંગ્લાદેશ સામે જીત મેળવી તે ખરેખર T20 ક્રિકેટ માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. ભારત પણ આવનારા T20 World Cupમાં અમેરિકાના ગ્રુપમાં જ સામેલ છે.

Back to top button