વોશિંગ્ટનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, કમલા હેરિસનો કોરોના રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેન છેલ્લા કેટલાક દિવસોમાં કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી.
કમલાએ ઘરમાં પોતાને ક્વોરન્ટિન કર્યા
વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, કમલા હેરિસના રેપિડ અને પીસીઆર બંને ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કમલા હેરિસમાં કોરોનાના કોઈ લક્ષણો નથી અને તેણે પોતાને પોતાના ઘરમાં ક્વોરન્ટિન કરી લીધા છે અને તેઓ ઘરેથી કામ કરી રહ્યાં છે. કમલા હેરિસનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તે વ્હાઈટ હાઉસ પરત ફરશે.
બે બુસ્ટર ડોઝ પણ લીધા હતા
57 વર્ષીય કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલાં મોડર્ના રસી લીધી હતી. આ પછી વર્ષ 2021માં ઉદ્ઘાટન દિવસ પછી તરત જ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ સિવાય ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં તેણે બૂસ્ટર ડોઝ લીધો હતો અને તાજેતરમાં 1લી એપ્રિલે તેને કોરોનાનો બીજો બૂસ્ટર ડોઝ મળ્યો છે.
કોરોનાની રસી અસરકારક છે
નોંધનીય છે કે, જે લોકોને કોરોનાની રસી મળી છે અને જેઓ બૂસ્ટર ડોઝ પણ લઈ રહ્યા છે. તેઓ કોરોનાથી થતા ગંભીર રોગોથી રાહત મેળવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની રસી સમગ્ર વિશ્વમાં ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી જીવન બચાવવામાં ઘણી મદદ કરી રહી છે.