ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને અમેરિકાએ નકારી કાઢ્યા
- અમેરિકાએ રશિયાના આરોપોને ફગાવ્યા
- ભારતમાં ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે અમેરિકા: રશિયા
- રશિયાના આરોપો પાયાવિહોણાઃ અમેરિકા
વોશિંગ્ટન :10 મે : અમેરિકાએ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં દખલગીરીના આરોપોને ફગાવી દીધા છે. રશિયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમેરિકા ભારતમાં ચાલી રહેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. પરંતુ અમેરિકાએ ગુરુવારે રશિયાના આ આરોપોને ફગાવી દીધા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ન તો ભારતમાં ચાલી રહેલી ચૂંટણીમાં સામેલ છીએ કે ન તો વિશ્વમાં ક્યાંય થઈ રહેલી ચૂંટણીમાં, ભારતની જનતા નક્કી કરશે ભારતનું ભવિષ્ય..”
હકીકતમાં, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ મોસ્કોમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમેરિકા ભારતના ઘરેલુ મામલામાં અને વર્તમાન ચૂંટણીઓમાં દખલ કરી રહ્યું છે. અહી જણાવવાનું કે, અમેરિકન અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’માં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ના એક અધિકારી અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાની યોજનામાં સામેલ હતા. આ લેખ પર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ મોસ્કોમાં પત્રકારોને કહ્યું, “અમેરિકા નવી દિલ્હી પર નિયમિતપણે પાયાવિહોણા આરોપો કરે છે, આપણે જોઈએ છીએ કે તેઓ માત્ર ભારત પર જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર પણ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના પાયાવિહોણા આક્ષેપો કરે છે. જે દર્શાવે છે કે અમેરિકા ભારતની રાષ્ટ્રીય વિચારસરણીને સમજી શકતું નથી, તે ભારતના વિકાસના ઐતિહાસિક સંદર્ભને સમજી શકતું નથી અને તે ભારતનું સન્માન કરતું નથી.
રશિયાએ આ આરોપ લગાવ્યો હતો
રશિયન પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાની માનસિકતા સંસ્થાનવાદી સમયગાળા જેવી છે. “તેઓ સામાન્ય સંસદીય ચૂંટણીઓને જટિલ બનાવવા માટે ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો એક માર્ગ છે.” તેમણે કહ્યું, ”ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને બાબતોમાં વોશિંગ્ટન કરતાં વધુ દમનકારી શાસનની કલ્પના કરવી મુશ્કેલ છે.” વોશિંગ્ટનમાં આ આરોપો અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા તેમને પૂછવામાં આવેલા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતા હોવાનું જોવા મળ્યા હતા.. તેમણે કહ્યું, “જ્યાં સુધી આ આરોપો ન્યાયતંત્ર સમક્ષ સાબિત ન થાય ત્યાં સુધી તે માત્ર આરોપો જ રહે છે.” આ એક કાનૂની મામલો હોવાથી હું તેના પર અહીં કંઈ કહીશ નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતના મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત