ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જો બાઈડેને ડૉ. મનમોહન સિંહને આ રીતે કર્યા યાદ, જાણો વિગત

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર, 2024: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ‘સાચા રાજનેતા અને સમર્પિત જાહેર સેવક’ તરીકે બિરદાવ્યા હતા. ડૉ. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર, 2024 ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. તેમનું નિધન ભારતીય રાજકારણ અને વિશ્વ માટે એક અપૂરણીય ખોટ છે.

ડૉ. મનમોહન સિંહનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ માત્ર ભારતીય રાજકારણ માટે જ ઐતિહાસિક નહોતો, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી દિશા પણ આપી હતી. 1991 માં આર્થિક સુધારા તરફના તેમના પ્રયાસો ભારતને કટોકટીમાંથી બહાર લાવ્યા અને વૈશ્વિક આર્થિક મંચ પર તેને એક નવી ઓળખ આપી હતી.

જો બાઈડેન શું લખ્યું?

રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાની શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે, આજે અમેરિકા અને ભારત વચ્ચે અભૂતપૂર્વ સહયોગ ડૉ. સિંહના વ્યૂહાત્મક વિઝન અને રાજકીય સાહસ વિના શક્ય બન્યો ન હોત. તેમના નેતૃત્વમાં, ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં યુએસ-ભારત નાગરિક પરમાણુ કરાર અને ઇન્ડો-પેસિફિક દેશોમાં પ્રથમ ક્વાડની રચના સામેલ છે. બાઈડેને કહ્યું કે આ પ્રયાસોએ ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કર્યા છે અને આગામી પેઢીઓ માટે તેમના દેશો વચ્ચેની ભાગીદારી માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે.

તેમની સાથે મારી પહેલી મુલાકાત 2008 માં યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના અધ્યક્ષ તરીકે થઈ હતી, અને પછી 2009 માં યુએસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે, હું ન્યૂયોર્કમાં ડૉ. સિંહને મળ્યો હતો. તેમણે યાદ કર્યું કે ડૉ. સિંહે 2013માં દિલ્હીમાં તેમનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ અમેરિકા-ભારત સંબંધોના મહત્વ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

ભારત અને અમેરિકાના સંબંધો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંના એક છે. ડૉ. સિંહના નેતૃત્વમાં બંને દેશો વચ્ચે વિશ્વાસ અને ભાગીદારીનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા સાથે મળીને અનંત શક્યતાઓ માટે માર્ગ મોકળો કરશે અને આપણા લોકો માટે ગૌરવ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.

ભારતીય રાજકારણ અને વૈશ્વિક મંચ પર ડૉ. મનમોહન સિંહનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમની નીતિ, વિઝન અને સાહસે ભારતને નવી દિશા આપી હતી. તેમનું નિધન ભારતીય રાજકારણ માટે એક મોટો ફટકો છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સુધારાઓની અસર આવનારી પેઢીઓ પર રહેશે. જો બાઈડેન દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિએ સાબિત કર્યું કે ડૉ. સિંહનો વારસો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પણ અમિટ રહેશે.

આ પણ વાંચોઃ ભારત પર ટળ્યું ફોલોઅનનું સંકટ, રેડ્ડીએ ફિફ્ટી ફટકારી પુષ્પા સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જૂઓ વીડિયો

Back to top button