US પ્રમુખ જો બાઈડને પુત્ર હન્ટરને બિનશરતી માફી આપી, કહ્યું: આશા છે કે લોકો સમજશે
- મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે: પ્રમુખ બાઈડન
વોશિંગ્ટન DC, 02 ડિસેમ્બર: અમેરિકાના પ્રમુખ જો બાઈડને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના કેસમાં તેમના પુત્ર હન્ટરને બિનશરતી માફી આપી દીધી છે. લોકો પ્રમુખ બાઈડનના આ નિર્ણયને તેમના વચન પર યુ-ટર્ન લીધો હોવાનું કહી રહ્યા છે, આ વચનમાં પ્રમુખ બાઈડને કહ્યું હતું કે, તેઓ તેમના પરિવારના લાભ માટે તેમની પાવરનો ઉપયોગ કરશે નહીં.
અમેરિકી પ્રમુખે નિવેદન જારી કરીને શું કહ્યું?
પ્રમુખ જો બાઈડને એક નિવેદન જારી કરીને કહ્યું કે, આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે, હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. પ્રમુખ બાઈડને આગળ કહ્યું કે, કોઈપણ સમજદાર વ્યક્તિ જે હન્ટરના કેસને અનુસરશે તે સમજી શકશે કે, તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રમુખ બાઈડને કહ્યું કે, તેમણે આ સપ્તાહના અંતમાં જ આ નિર્ણય લીધો છે. મને આશા છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને પ્રમુખે આ નિર્ણય કેમ લીધો. અગાઉ, પ્રમુખ બાઈડને કહ્યું હતું કે, તે ડેલાવેયર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા બે કેસોમાં તેમના પુત્ર હન્ટરને માફ કરશે નહીં કે તેની સજામાં દખલ કરશે નહીં.
હન્ટર બાઈડન સામે શું આરોપો છે?
અમેરિકી પ્રમુખ બાઈડનના પુત્ર હન્ટર બાઈડન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપોનો સામનો કરવો પડે છે.
અગાઉ, ડેલાવેયર કોર્ટમાં, હન્ટરે કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે, હન્ટર બાઈડને જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી. તે 2017 અને 2018માં 15 લાખ ડોલરથી વધુ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરી શક્યો નહોતો. આ બે વર્ષમાં તેની કમાણી પર એક લાખ ડોલરથી વધુની રકમ બાકી છે. તેના પર 12થી 23 ઓક્ટોબર 2018 વચ્ચે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો પણ આરોપ છે. આ તે સમય હતો જ્યારે તેને ડ્રગ્સની લત લાગી હતી. હન્ટર બાઈડન લોબીસ્ટ વકીલ અને વિદેશી કંપનીઓ માટે કન્સલ્ટિંગ તરીકે કામ કરે છે. તે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને કલાકાર છે.
આ પણ જૂઓ: બાંગ્લાદેશી દર્દીઓ માટે દરવાજા બંધ, કોલકાતા અને ત્રિપુરાની હોસ્પિટલોએ લીધો નિર્ણય