US પ્રમુખ બાઈડને વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવી દિવાળીની કરી ઉજવણી, કહ્યું: સન્માનની વાત
- કાર્યક્રમમાં ધારાશાસ્ત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ભારતીય મૂળના 600થી વધુ અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો
વોશિંગ્ટન DC, 29 ઓક્ટોબર: US પ્રમુખ જો બાઈડને સોમવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં દિવાળીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન તેમણે દીવો પ્રગટાવ્યો. આ કાર્યક્રમમાં ધારાશાસ્ત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ભારતીય મૂળના 600થી વધુ અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરાને આગળ વધારતા પ્રમુખ બાઈડને કહ્યું કે, મારા માટે આ સન્માનની વાત છે કે પ્રમુખ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી.
Tune in as I deliver remarks at a White House celebration of Diwali. https://t.co/72AJ9Fw0lO
— President Biden (@POTUS) October 28, 2024
વાઇસ પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી ગેરહાજર
જોકે, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન વ્હાઇટ હાઉસમાં આયોજિત આ સમારોહમાં હાજર રહ્યા ન હતા. પ્રમુખ બાઈડને કહ્યું કે, ફર્સ્ટ લેડી જીલ બાઈડન અહીં આવવા માંગતી હતી પરંતુ તે વિસ્કોન્સિનની યાત્રા કરી રહી છે અને કમલા હેરિસ પણ કેમ્પેઇન કરી રહી છે. તમે જાણો છો કે, મેં ઘણા કારણોસર કમલાને મારા સાથી તરીકે પસંદ કરી છે. તે સ્માર્ટ છે અને તેના પર વિશ્વાસ કરી શકાય છે.
બાઈડને કહ્યું કે, દક્ષિણ-એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. આ વાત સાચી છે. તે દેશમાં સૌથી ઝડપથી વિકસતા, સૌથી વધુ સક્રિય સમુદાયોમાંનો એક છે. હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વથી ઉજવવામાં આવે છે.
વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવણીનો ઇતિહાસ
2003માં તત્કાલિન US પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા શરૂ કરી હતી. જો કે, તેમણે ક્યારેય વ્યક્તિગત રીતે દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો ન હતો. પરંતુ 2009માં જ્યારે બરાક ઓબામા પ્રમુખ બન્યા ત્યારે તેમણે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં અંગત રીતે હાજરી આપી હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં પ્રમુખ બન્યા ત્યારે આ પરંપરાને આગળ વધારી. પરંતુ 2022માં, પ્રમુખ જો બાઈડને, ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે, વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉપપ્રમુખ વર્ષ 2023માં તેમના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીનું આયોજન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વખતે પણ અમેરિકામાં ભારતીય મૂળના પ્રવાસીઓએ ભારે ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી. ન્યૂયોર્કથી લઈને સાન ફ્રાન્સિસ્કો, ઓહિયો, ન્યુ જર્સી અને કેલિફોર્નિયામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના હિંદુ મંદિરોમાં મોટા પાયે મંત્રોચ્ચાર અને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: પાંચ દિવસીય દીપાવલી પર્વનો શુભારંભ, જાણો તેની પાછળની રોચક કહાણી