ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને મોટો ફાયદો, અર્થતંત્રને મળશે બૂસ્ટ

US Iran peace deal: મહિનાઓના સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ ગયો છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થીમાં થયેલી ડીલની પુષ્ટિ ડોનાલ્ડ ટ્રમ્પ અને શહબાઝ શરીફ બંનેએ કરી છે. આ કરારથી ભારતને સૌથી મોટો ફાયદો મળવાનો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકા બંદરો પર લગાવેલી નૌસૈનિક નાકાબંધી હટાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, “ઈરાન સાથે ડીલ પૂર્ણ થઈ ગઈ છે. હું હોર્મુઝને ટોલ-ફ્રી રીતે ફરી ખોલવાની અને અમેરિકાની નૌસૈનિક નાકાબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાના જહાજો હવે ફરી ચાલશે. તેલને વહેવા દો.” તમને જણાવી દઈએ કે વિશ્વના લગભગ 20 ટકા તેલ અને એલએનજી હોર્મુઝથી સપ્લાય થાય છે. યુદ્ધ દરમિયાન અહીં જહાજોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ હતી.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 થી 85 ટકા કાચું તેલ દુનિયાના અનેક દેશોથી આયાત કરે છે, પરંતુ તેમાં મધ્યપૂર્વ (ખાડી વિસ્તાર)નો હિસ્સો સૌથી વધુ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ કરાર અમલમાં આવે અને ઈરાનનું તેલ ફરીથી વૈશ્વિક બજારમાં આવે, તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. આની સીધી અસર દુનિયાના અન્ય દેશો સાથે સાથે ભારત પર પણ પડશે, કારણ કે કાચા તેલના ભાવ ઘટવાથી આયાત ખર્ચમાં ઘટાડો થશે અને તેની અસર અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં જોવા મળશે.

ભારતને શું ફાયદો થશે?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ ઘટશે. મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે. ઉપરાંત ભારતનો કાચા તેલનો આયાત ખર્ચ ઓછો થશે. એટલું જ નહીં, વિદેશી મુદ્રા ભંડાર પરનો દબાણ પણ ઘટશે, જેના કારણે રૂપિયો પણ મજબૂત થશે.

રિપોર્ટ મુજબ ડ્રાફ્ટમાં ઈરાનના તેલ નિકાસ પર લાગેલા પ્રતિબંધોમાં અસ્થાયી છૂટ આપવાની વાત છે. સાથે જ 25 અબજ ડોલરની ફ્રીઝ થયેલી ઈરાની સંપત્તિ છોડવા પર પણ સહમતિ બની છે. ઉલ્લેખનીય છે કે ભારત પહેલા ઈરાનથી મોટાપાયે સસ્તુ કાચું તેલ ખરીદતું હતું, પરંતુ અમેરિકી પ્રતિબંધોના કારણે આ વેપાર લગભગ બંધ થઈ ગયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ઈરાન સાથેનો તેલ વેપાર ડોલરની જગ્યાએ રૂપિયા (INR)માં થતો હતો, જેના કારણે ભારતને અન્ય દેશોની તુલનામાં વધુ સસ્તું તેલ મળતું હતું. પ્રતિબંધો હટે તો ભારત ફરીથી ઈરાનથી કાચું તેલ ખરીદી શકે છે.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરી

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું સ્વાગત કરું છું. આ તણાવે વિશ્વભરમાં ગંભીર આર્થિક વિક્ષેપ ઊભો કર્યો છે અને અનેક દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે.”

તેમણે આગળ કહ્યું કે “ભારતને આશા છે કે આ કરારના અમલથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને જહાજરાની તથા વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. અમને આશા છે કે ચર્ચા દ્વારા બાકીના મુદ્દાઓ પર કાયમી અંતિમ સમાધાન થશે.”

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ શું છે

અમેરિકા-ઈરાન કરારની બીજી મોટી અસર ભારતના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર પડી શકે છે. ભારતે ઈરાનના ચાબહાર પોર્ટમાં મોટા પાયે રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટ ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વ સુધી સીધી પહોંચ પૂરી પાડે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં સુધારો થવાથી ચાબહાર પર અમેરિકાનું દબાણ ઓછું થઈ શકે છે. આનાથી ભારતના પોર્ટ વિસ્તરણ, નવા રોકાણો અને વેપારમાં વધારો થશે. વધુમાં, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) પણ ઝડપી બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: તિરુમાલામાં કેશ દાનનો નવો રેકોર્ડ : 27 દિવસમાં અધધધ 12.43 લાખ લોકોએ કર્યું વાળનું દાન

Back to top button