ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકાએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ સોંપી, PM મોદીએ માન્યો આભાર

Text To Speech
  • છેલ્લા 10 વર્ષમાં અમેરિકાએ ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડને ભારતને ભેટ આપી છે. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓની ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી.

2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી, ભારતને વિદેશી દેશોમાંથી કુલ 640 પ્રાચીન ધરોહર મળી છે. આ 640 પ્રાચીન ધરોહરમાંથી, અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે.

 

પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો

અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓને સોંપવા બાબતે પીએમ મોદીએ કહ્યું કે, આપણે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પડશે અને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી પડશે. ભારતને 297 અમૂલ્ય પ્રાચીન ધરોહરો પરત કરવા બદલ હું પ્રમુખ બાઈડન અને US સરકારનો ખૂબ જ આભારી છું.

અમેરિકાએ અગાઉ પણ ધરોહરો પરત કરી

PM નરેન્દ્ર મોદીની અગાઉની અમેરિકાની મુલાકાતો પણ ભારતમાં પ્રાચીન ધરોહરો પરત કરવાના સંદર્ભમાં ઘણી સફળ રહી હતી. વર્ષ 2021માં જ્યારે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે US સરકારે 157 પ્રાચીન ધરોહરો ભારતને પરત કરી હતી. 12મી સદીની કાંસ્ય નટરાજની પ્રતિમા પણ 2021માં પરત કરવામાં આવેલી પ્રાચીન ધરોહરોમાં સામેલ હતી.

ભારત અને અમેરિકા વચ્ચે કરાર

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2024માં દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીના અવસર પર ભારત અને અમેરિકાએ પહેલીવાર ‘સાંસ્કૃતિક સંપત્તિ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ ભારતમાંથી અમેરિકામાં ભારતીય પ્રાચીન ધરોહરોની ગેરકાયદેસર દાણચોરી રોકવાનો હતો. જો કે, છેલ્લા 10 વર્ષમાં એક તરફ દાણચોરી બંધ થઈ છે તો બીજી તરફ ભારતને પ્રાચીન ધરોહરો મળી છે.

આ પણ જૂઓ: દેશમાં અત્યાર સુધી કેટલી મહિલાઓ CM રહી ચૂકી છે, કેટલી મુસ્લિમ હતી; રાજકારણમાં કોણ અને કેવી રીતે પ્રવેશ્યું?

Back to top button