અમેરિકા સહિત વિશ્વભરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ચાઈનીઝ જાસૂસી બલૂનને યુ.એસ.એ શનિવારે મોડી રાત્રે ઉત્તરીય ક્ષેત્રમાં તોડી પાડ્યું હતું. અમેરિકાએ માત્ર એક મિસાઈલ છોડીને આ જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી નાખ્યું હતું. આ સાથે બલૂનના સંવેદનશીલ કાટમાળને શોધવા અને તેને પકડવા માટે એક ટીમ પણ મોકલવામાં આવી હતી. હવે ચીને પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
શું કહ્યું ઘટના અંગે ચીને ?
ચાઈનીઝ બલૂન તોડી પાડવા અંગે ચીની વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમે આ બાબતે અમારો ઊંડો અસંતોષ વ્યક્ત કરીએ છીએ અને માનવરહિત નાગરિક હવાઈ જહાજ પર અમેરિકી બળપૂર્વકની કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ.” અમેરિકાને ધમકી આપતાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે પણ આ મામલે જરૂરી પ્રતિક્રિયા આપવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
અમેરિકાની શું પ્રતિક્રિયા ?
દરમિયાન પેન્ટાગોનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકાના આકાશ પર છેલ્લા કેટલાક દિવસોથી ઉડતા એક જાસૂસી બલૂનને F-22 ફાઈટર જેટ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ દ્વારા નીચે લાવવામાં આવ્યો હતો. અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું કે આ કાર્યવાહી દેશના અધિકારક્ષેત્રમાં છે, જે ચીન દ્વારા સ્વાયત્તતાના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે.
https://youtube.com/shorts/M6G8WuGgerA?feature=share
ચીનના જાસૂસી બલૂન પર અમેરિકા કેમ ગુસ્સે થયું?
અહેવાલો અનુસાર, ચીનનું જાસૂસી બલૂન મોન્ટાનાના મિસાઈલ ક્ષેત્રો પરથી પસાર થઈ રહ્યું હતું. આ વિસ્તારમાં અમેરિકાના કેટલાક મહત્વપૂર્ણ હથિયારો પણ રાખવામાં આવ્યા છે. જો કે, યુએસનું કહેવું છે કે આ ક્ષેત્રમાંથી એકત્ર કરાયેલી માહિતી ચીન માટે મર્યાદિત મૂલ્યની છે. પરંતુ કોઈપણ દેશ તરફથી આ પ્રકારની ઘૂસણખોરી સહન કરી શકાય નહીં.