અમેરિકાની કોર્ટે NSA ડોભાલ અને ભારત સરકારને પાઠવ્યું સમન્સ, જાણો શું છે કારણ


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે. ભારત સરકારે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે અને અમને તેની સામે વાંધો છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે.
21 દિવસમાં સમન્સનો જવાબ આપવા આદેશ
આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકી કોર્ટના સમન્સ પર વિદેશ સચિવે કહ્યું કે જ્યારે આ મામલો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે કાર્યવાહી કરી. આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ તરફ ધ્યાન દોરવા માંગુ છું જેણે આ કેસ દાખલ કર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ બધા જાણે છે કે તે કેવી રીતે ગેરકાયદેસર સંગઠન સાથે જોડાયેલા છે.
સરકારે 2020માં પન્નુને આતંકવાદી જાહેર કર્યો
ગુરપતવંત સિંહ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. તેઓ ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા છે. ભારત સરકારે 2020માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે. જો બિડેન વહીવટીતંત્ર દ્વારા પાછળથી આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુદ્દાની માહિતી મળતાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો આવું છે તો તે ચિંતાનો વિષય છે. અમે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવીશું.