ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા-બ્રિટનનો યમનમાં હૂતી વિદ્રોહીઓ પર હવાઈ હુમલો, તણાવ વધવાની સંભાવના

  • લાલ સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના આતંકને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષાને અસર
  • હવાઈ હુમલાઓના કારણે હૂતી વિદ્રોહીઓને ભારે નુકસાન થયું અને તેમના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા

નવી દિલ્હી, 12 જાન્યુઆરી : લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવતા હૂતી વિદ્રોહીઓ સામે અમેરિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રમુખ જો બાઈડનના આદેશ પર USના લશ્કરી દળોએ બ્રિટનના સહયોગ અને ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, નેધરલેન્ડ્સના સમર્થનથી યમનમાં ઘણા હૂતી સ્થાનો પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલાઓમાં હૂતી વિદ્રોહીઓને ભારે નુકસાન થયું છે અને તેમના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા છે. હુમલાને પગલે પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે તેવી સંભાવના રહેલી છે. લાલ સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના આતંકને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષાને અસર થઈ રહી છે.

 

હૂતી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને બનાવી રહ્યા હતા નિશાન

વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ પર હુમલાની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ હૂતી વિદ્રોહીઓ પેલેસ્ટાઈનીઓના સમર્થનમાં લાલ સમુદ્ર વિસ્તારમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યા હતા. આનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષાને અસર થઈ રહી હતી. US નેવીએ પણ ઘણી વખત હૂતી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. અમેરિકાએ ચેતવણી પણ આપી હતી કે, જો હુમલા રોકવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષા માટે પણ દેખરેખ વધારી દીધી છે. હૂતી બળવાખોરો અને ચાંચિયાઓના હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભારતે અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં તેના પાંચ યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે.

અમેરિકાએ નિવેદન જારી કરીને આપી જાણકારી

વ્હાઇટ હાઉસે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર થયેલા હુમલા બાદ ગયા મહિને અમેરિકાએ 20થી વધુ દેશો સાથે મળીને વેપારી જહાજોને હૂતી વિદ્રોહીઓના હુમલાઓથી બચાવવા માટે ‘ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન’ શરૂ કર્યું હતું. ગયા અઠવાડિયે, 13 સહયોગી દેશો સાથે, અમે હૂતી બળવાખોરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો તેઓ વેપારી જહાજો પર હુમલા બંધ નહીં કરે તો ગંભીર પરિણામો આવશે. હૂતી વિદ્રોહીઓ સામે આજના હવાઈ હુમલા એ સ્પષ્ટ સંદેશ આપે છે કે, અમેરિકા અને તેના સાથી દેશો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ વ્યાપારી માર્ગ પર નેવિગેશનની સ્વતંત્રતા સાથે સમાધાન કરશે નહીં.

આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ

મળતી માહિતી મુજબ, હૂતી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછીથી હૂતી વિદ્રોહીઓ લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોમાંથી પસાર થતા જહાજો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ખોરવાઈ રહ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, હૂતી વિદ્રોહીઓના હુમલાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં લાલ સમુદ્રમાંથી લગભગ 200 બિલિયન ડોલરનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં મોંઘવારી વધવાની દહેશત છે. જો કે અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પહેલેથી જ તણાવનો સામનો કરી રહેલા પશ્ચિમ એશિયામાં વધુ તણાવનો ભય છે.

આ પણ જુઓ :પશ્ચિમ બંગાળમાં ED ફરી એક્શનમાં, બે મંત્રી સહિત ત્રણ TMC નેતાના ઘરે દરોડા

Back to top button