સુરતમાં એક સાથે 30 પ્રસૂતિનો રેકોર્ડ, 31 બાળકોની કિલકારીઓથી ગુંજી હોસ્પિટલ


સુરતની એક હોસ્પિટલમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. અહીંની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી થઈ હતી. કુલ 31 બાળકોનો જન્મ થયો, જેમાં 17 દીકરીઓ અને 14 દીકરા છે.

કુલ 31 બાળકોના જન્મ બાદ આખી હોસ્પિટલ નવજાત શિશુના રડવાથી ગુંજી ઉઠી હતી. તબીબોના જણાવ્યા અનુસાર તમામ નવજાત શિશુ અને ગર્ભવતી મહિલાઓ સ્વસ્થ છે.
તમને જણાવી દઈએ કે ડાયમંડ હોસ્પિટલ લિંગ સમાનતા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દીકરીઓના જન્મ માટે માતા-પિતા પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
એકથી વધુ દીકરીઓના પરિવારને 1 લાખના બોન્ડ
હોસ્પિટલે માહિતી આપી હતી કે નોર્મલ ડિલિવરી માટેનો ચાર્જ રૂ. 1,800 છે, જ્યારે સિઝેરિયન ડિલિવરી માટેનો ચાર્જ રૂ. 5,000 છે, જે તમામ માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની પહોંચ શક્ય બનાવે છે. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કોઈને ડિલિવરી દરમિયાન બે દીકરીઓ હોય તો તેમને હોસ્પિટલ દ્વારા 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં 2000 દીકરીઓને 20 કરોડ રૂપિયાના બોન્ડ આપવામાં આવ્યા છે. બીજી તરફ ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ એક દિવસમાં 31 બાળકોની ડિલિવરીને મહત્વનો દિવસ ગણાવીને જણાવ્યું હતું કે, આ હોસ્પિટલની મેડિકલ ટીમના સમર્પણ અને મહેનતનો પુરાવો છે.