ઉત્તર ગુજરાતગુજરાત

શાળામાં નમાજ અદા કરવાનો રોલ પ્લે કરતાં બાળકોનો વીડિયો વાયરલ થયો; હિન્દૂ સંગઠનોએ કર્યો હોબાળો

હમ દેખેગે ન્યૂઝ: કચ્છના મુન્દ્રા અને મહેસાણાની ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હોવાની બાબતે હિન્દુ સંગઠનો નારાજ થઈ ગયા છે. જોકે, શાળાની એક શિક્ષિકાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો તો બકરી ઈદના દિવસનો નહીં પરંતુ બે દિવસ પહેલાનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો થકી સ્પષ્ટતા કરતાં શિક્ષિકાએ જણાવ્યું હતુ કે, આ બાળકો એક નાટકમાં ભાગ લીધો હતો અને નમાઝ અદા કરવાનો રોલ પ્લે કરી રહ્યાં હતા.

જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ શાળામાં બાળકો પાસે ઇદની નમાઝ અદા કરાવવામાં આવી હોવાના નામે વીડિયો શેર કરવામાં આવ્યો હતો. તે પછી  હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો કર્યો હતો.  હોબાળાના પગલે બંને શાળાના સંચાલકો માફી માંગવા મજબૂર બન્યા હતા.

ઉલ્લેખનિય છે કે, દેશ અને રાજ્યમાં મુસ્લિમ ધર્મને લઈને એટલી હદ્દે નફરત ફેલાવી દેવામાં આવી છે કે, માત્ર મુસ્લિમ ધર્મની જાણકારી આપવાને લઈને પણ હિન્દૂ સંગઠનો કાયદાને હાથમાં લઈ લે છે અને બીજેપી સરકારને હિન્દૂ સંગઠનો સામે લાચારીપૂર્વક મૌન સેવવું પડી રહ્યું છે.  સ્વભાવિક છે કે, શાળાઓમાં હિન્દૂ ધર્મને લઈને પ્રાર્થનાઓ વર્ષોથી થતી આવી છે અને તમામ ધર્મના વિદ્યાર્થીઓ તે ગાઇ પણ રહ્યા હોય છે. પરંતુ મુસ્લિમ ધર્મને લગતી એકપણ બાબત શાળામાં કરાવવામાં આવે છે તો હિન્દૂ સંગઠનો ભારે શોરશરાબો કરી મૂકે છે. આ બધી બાબતો ભારતને બે ભાગમાં વહેંચવાનું કામ કરી રહી છે.

નમાજ અદા કરવી અલગ બાબત છે અને શાળામાં નમાજ અદા કરવાનો રોલ પ્લે કરવો અલગ બાબત છે. શાળાઓમાં રામાયણ જેવા અનેક ધાર્મિક પ્લે પણ થતા હોય છે અને તેમાં મુસ્લિમ છોકરાઓ પણ ભાગ લેતા હોય છે. તે વખતે તો મુસ્લિમ સંગઠનોને કંઇ વાંધો પડતો નથી. કેમ કે તે જાણે છે કે, રામાયણ સારા સંસ્કારોનું જ સિંચન કરે છે. સ્વભાવિક છે કે, તમામ ધર્મમાં લોકોને સારા સંસ્કારો જ આપવામાં આવે છે પરંતુ રાજકારણે પોતાનો સ્વાર્થ સાધવા માટે મુસ્લિમ ધર્મ અને સમાજને બદનામ કરવાનું કંઇ બાકી રાખ્યું નથી.

તેથી તો અમેરિકામાં પણ પીએમ મોદીને ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવને લઈને પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો. તો બીજી બાજું બરાક ઓબામાએ પણ ભારતને સલાહ આપી દીધી કે, ભારત મુસ્લિમોને સંભાળશે નહીં તો તેના બે ભાગ પડી જશે. સ્વભાવિક છે કે, ઘરનો ઝગડો બહાર પહોંચી ગયો છે. વિશ્વ આખાને ખ્યાલ આવી ગયો છે કે, ભારતીય મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર અને મોદી સરકારે ધર્મના નામે કાયદાને હાથમાં લેનારા તત્વોને કંટ્રોલમાં રાખવા જ પડશે. નહીં તો એક દિવસ એવો પણ આવશે, જ્યારે સ્થિતિ સરકારના હાથમાંથી પણ નિકળી જઈ શકે છે. નફરતી ચિન્ટુઓ સરકારના તાંબા હેઠળ પણ રહેશે નહીં અને સરકારને પણ અનેક મુદ્દાઓ પર તેમના સામે નમતું જોખવું પડી શકે છે.

આ પણ વાંચો-બનાસકાંઠા: BSF ગુજરાતની પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે

 

Back to top button