UP : હાથરસ ઘટનામાં પત્રકાર સિદ્દીક કપ્પનને રાહત, 2 વર્ષ બાદ ઈડી કેસમાં જામીન મંજુર
યુપીમાં હાથરસની ઘટના બાદ જનતાને ઉશ્કેરવા સહિતના અનેક આરોપોમાં ધરપકડ કરાયેલા પત્રકાર કપ્પન સિદ્દીકી કપ્પનને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ED કેસમાં સિદ્દીકી કપ્પનને જામીન આપી દીધા છે, ત્યારબાદ તે જેલમાંથી મુક્ત થશે. સિદ્દીકી કપ્પન 2 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે. આ પહેલા 9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને જામીન આપ્યા હતા.
કોર્ટે શરતી જામીન આપ્યા
કપ્પનની ઉત્તર પ્રદેશ પોલીસે ઓક્ટોબર 2020માં ધરપકડ કરી હતી જ્યારે તે હાથરસ જઈ રહ્યો હતો. હાથરસમાં એક દલિત બાળકી પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કપ્પનને શરતી જામીન આપ્યા હતા. ઉત્તર પ્રદેશની જેલમાંથી છૂટ્યા બાદ કપ્પને આગામી 6 અઠવાડિયા સુધી દિલ્હીમાં રહેવું પડશે, ત્યારબાદ તે કેરળ જઈ શકશે. આ સિવાય દર સોમવારે તેણે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે, સાથે જ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે.
કપ્પન ઉપર કયો ગુનો નોંધાયો છે ?
કપ્પન પર ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ, આઈટી એક્ટ, ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સમયે કપ્પન કથિત રીતે હાથરસમાં એક છોકરી સાથે ગેંગરેપ અને હત્યાની ઘટનાને કવર કરવા જઈ રહ્યો હતો. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કપ્પનને તેની સામે મની લોન્ડરિંગ હેઠળ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીમાં જામીન માટે અરજી કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.
શું છે મામલો?
કપ્પન સહિત ચાર લોકોની યુપી પોલીસે ઓક્ટોબર 2020માં મથુરાથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કપ્પન કટ્ટરપંથી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલ છે. તેઓ હાથરસમાં રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચવા જઈ રહ્યા હતા. કપ્પને કહ્યું કે હાથરસમાં છોકરીની ગેંગરેપ-હત્યા પછી તે ઘટનાસ્થળ પર કેસને કવર કરવા જઈ રહ્યો હતો. કપ્પનને IPC કલમ 153A (જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી), 124A (રાજદ્રોહ), 120B (ષડયંત્ર), UAPA હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો.