અતીક અહેમદને લઈ યુપી પોલીસ સાબરમતી જેલ જવા રવાના
પ્રયાગરાજમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે ઉમેશ પાલ અપહરણના કેસમાં માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને સખત આજીવન કેદની સજા ફટકારી છે. આ પછી તેને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત લઈ જવામાં આવી રહ્યો છે. યુપી પોલીસનો કાફલો માફિયા અતીક અહેમદ સાથે સાબરમતી જેલ જવા રવાના થયો છે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો છે.
કાફલામાં પરિવારનો કોઈ સભ્ય નથી
નૈની સેન્ટ્રલ જેલથી સાબરમતી સુધી માફિયા અતીક અહેમદના કાફલામાં અતીકના પરિવારનો કોઈ સભ્ય જઈ રહ્યો નથી. અતીકના વકીલ વિજય મિશ્રા તેમના વાહનમાં કાફલા સાથે જઈ રહ્યા છે. એડવોકેટ વિજય મિશ્રા કાફલા સાથે સાબરમતી જેલ સુધી જશે. સાબરમતીથી પ્રયાગરાજ લાવતી વખતે અતીકના પરિવારની ત્રણ મહિલાઓ ઝાંસીથી કાફલા સાથે આવી હતી. જેમાં અતીક અહેમદની બહેન આયેશા, અશરફની પત્ની ઝૈનબ અને ભત્રીજીનો સમાવેશ થાય છે.
અતીકના ભાઈને બરેલી લઈ જવામાં આવ્યો હતો
નૈની જેલના વરિષ્ઠ સુપ્રિટેન્ડેન્ટ શશિકાંતે જણાવ્યું કે ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને કોર્ટમાંથી જ બરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે અતીક અહેમદને સાબરમતી જેલમાં લઈ જવા માટે કાફલો મોકલવામાં આવ્યો છે. ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, જેને બરેલીથી અપહરણના કેસમાં અહીંની વિશેષ અદાલતમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો, તેને ભારે સુરક્ષા વચ્ચે બરેલી જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો.
17 વર્ષ જૂના કેસમાં સજા થઈ
પ્રયાગરાજની એક વિશેષ અદાલતે પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલના લગભગ 17 વર્ષ જૂના અપહરણમાં અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને સખત આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કોર્ટે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે આ કેસમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે.