લખનઉ, 24 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશના ગોસાઈગંજના અર્જુનગંજમાં એક મોટો અકસ્માત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલા આગળ રૂટનું નિરીક્ષણ કરી રહેલ એન્ટી ડેમો વાહન પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના રોડ પર પડેલા મૃત જાનવર સાથે અથડાયા બાદ થઈ હતી. વાહનની ટક્કરથી 5 પોલીસકર્મીઓ ઉપરાંત રોડ કિનારે ઉભેલા 6 લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ ડીજીપી પ્રશાંત કુમાર સહિત અન્ય અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
5 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા
આ દુર્ઘટના વિશે માહિતી આપતા જોઈન્ટ સીપી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, કુલ 11 લોકો ઘાયલ થયા છે. જેમાં 5 પોલીસ કર્મચારીઓ અને 6 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. તમામને પ્રાથમિક કેન્દ્રમાંથી કેજીએમસી અને લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટી ડેમો (પ્રદર્શન) વાહન સ્કોર્પિયોને અકસ્માત થયો છે. આ જિલ્લા વહીવટી તંત્રનું વાહન છે જે મુખ્યમંત્રી માર્ગ પર કોઈ વિરોધ ન થાય તેની ખાતરી કરવા માટે અગાઉથી જ નીકળે છે. અકસ્માતને સીએમ ફ્લીટ સાથે કોઈ સંબંધ નથી.
અખિલેશ યાદવે કટાક્ષ કર્યો હતો
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશે તરત જ યોગી આદિત્યનાથને આડે હાથ લીધા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઉત્તર પ્રદેશમાં રખડતા પ્રાણીઓની સમસ્યા ગંભીર વાસ્તવિકતા છે. તે લોકોના જીવનનો પ્રશ્ન છે. આશા છે કે, હવે તેમની આંખો ખુલશે અને લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ચૂંટણી દરમિયાન ભાજપે આપેલા વચનને યાદ કરશે.