અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું, ખેડૂતોને વાવેલા પાકમાં નુકસાનની ભીતિ

અમદાવાદ, 2 માર્ચ 2023, આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે. રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું,રાયડો, બટાટા, એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મૂકાયો
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા થતા ખેતીમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો
મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જામનગરના ગ્રામ્ય વિસ્તાર,પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરૂ થયા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે યાત્રાધામ શામળાજી અને અંબાજીમાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

દિવસ દરમિયાન ભારે ગરમીનો અનુભવ
એક તરફ માર્ચ મહિનાની શરૂઆતમાં જ શહેરીજનો તાપમાનના વધતાં પારાથી પરેશાન થયા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની શક્યતા વચ્ચે વાતાવરણમાં થોડા અંશે ઠંડક થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ગઈકાલે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કહી શકાય કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. પડધરીમાં પવન સાથે ખાબકેલા વરસાદને પગલે કાલાવડ રોડ પરના મોટલ ધી વિલેજ ખાતે લગ્નનો મંડપ વેરવિખેર થયો હતો. એકાએક વરસાદ શરૂ થતાં મહેમાનોમાં દોડાધામ સર્જાઈ હતી. હાલ શહેરમાં વરસાદી માહોલ વિખેરાતાં તડકો નીકળ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ શહેરોમાં માવઠાની આગાહી

Back to top button