ઉ.ગુ.માં 13 વર્ષમાં પ્રથમવાર માર્ચમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. તથા 7 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર રવી પાકોનો સોંથ વળી ગયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અષાઢ મહિનાની જેમ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છેલ્લા 13 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો છે. આ અગાઉ 2015માં માર્ચ મહિનામાં ડીસામાં 15 મી.મી વરસાદ થયો હતો. આ સિવાય 2013 અને 2020માં વરસાદી ઝાપટાં થયાં હતા.
કડકા-ભડાકા અને તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ
પરંતુ આ વર્ષે તો છેલ્લા ત્રણ દિવસથી તો ચોમાસુ મંડાઈ ગયુ હોય તેમ કડકા-ભડાકા અને તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સાત તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો છે. છ તાલુકામાં અડધો ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે શનિવારે રાત્રે વરસાદ થતાં કેટલીક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
એક તરફ ખેતરોમાં લણણી કરેલ ઘઉંનો તૈયાર પાક પડયો છે આવા સમયે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. હજુ પણ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો આ જ રીતે કમોસમી વરસાદ ચાલુ રહેશે તો રહ્યો સહ્યો તૈયાર રવી પાક બગડી જવાનો ભય રહેલો છે. અગાઉ ક્યારેય માર્ચ મહિનામાં આ રીતે ચોમાસા જેવો વરસાદ થયો નથી, ત્યારે કુદરતે કરવટ બદલતાં લોકો પણ અચરજમાં મુકાયા છે.