છેલ્લા કેટલાક દિવસથી દેશમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ અનેક રાજ્યોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આગાહી કરવામા આવી છે કે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
દેશના ઘણા રાજ્યોમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈ સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.
ઉત્તર પશ્ચિમમાં વરસાદ અને કરા પડવાની સંભાવના
IMD એ જણાવ્યુ હતુ કે દેશના અલગ-અલગ 12 રાજ્યોમાં આજે વરસાદની શક્યતા રહેલી છે. પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામા આવી છે.
મુંબઈ સહિત આ વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
IMD મુંબઈના જણાવ્યા અનુસાર, આગામી સમય દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30 – 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે.
#WATCH | Maharashtra: Mumbai wakes up to rain lashing several parts of the city. pic.twitter.com/mZmdK6bSQG
— ANI (@ANI) March 21, 2023
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગના અધિકારી. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, આગામી 3 – 4 દિવસ સુધી ગુજરાત અને તેના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં આવતીકાલથી વરસાદ હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આજે અને આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, રાજકોટ, કચ્છ અને અમરેલી જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે 24 માર્ચે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. તેમજ આગામી 4 દિવસ સુધી ગરમીમાં વધારો થવાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો : G-20: ગાંધીનગરમાં ECSWGની બીજી બેઠક 27થી 29 માર્ચ દરમિયાન યોજાશે