આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી… ઈઝરાયેલના પીએમએ અમેરિકી સંસદમાં શું કહ્યું?

વૉશિંગ્ટન ડીસી, 25 જુલાઈ, 2024: ઈઝરાયેલના નાગરિકોને હત્યા કરનાર અને અસંખ્ય ઈઝરાયેલીઓને બંધક બનાવનાર હમાસના આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવામાં નહીં આવે ત્યાં સુધી સૈન્ય કામગીરી ચાલુ રહેશે તેમ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું. તેઓ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં અમેરિકી સંસદને સંબોધી રહ્યા હતા.

છેલ્લા નવ મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે હમાસ વિરુદ્ધ ચાલી રહેલી ઈઝરાયેલીની સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો. તેમણે હમાસ અને અન્ય ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામેના યુદ્ધ માટે યુએસ સમર્થન વધારવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા તેમણે ગાઝામાં સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં.

યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા નેતન્યાહુએ કહ્યું કે હવે અમારી જીત ખૂબ નજીક છે. હમાસ પરની અમારી જીત ઈરાનને ગંભીર ફટકો આપશે. આ દરમિયાન ઈઝરાયેલના પીએમે હિઝબુલ્લાહને કચડી નાખવાની પણ ચીમકી આપી હતી. તેમણે કહ્યું કે અમે અમારા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે દરેક જરૂરી પગલાં લઈશું. તેમણે વધુમાં ઈરાનને અમેરિકા અને ઈઝરાયેલ માટે ખતરો ગણાવ્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે આવી સ્થિતિમાં અમેરિકા અને ઈઝરાયલે સાથે ઊભા રહેવું જોઈએ. આપણે સંગઠિત છીએ એ લાભદાયક છે. અમે જીતી રહ્યા છીએ અને આતંકીઓ હારી રહ્યા છે.

ઈઝરાયેલના વડાપ્રધાને ગાઝામાં યુદ્ધ અને તેનાથી ઉદ્ભવતા માનવીય સંકટની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે ઈઝરાયેલ વિરોધીઓ ઉપર 7 ઓક્ટોબરે હુમલો કરનારા આતંકવાદીઓને સમર્થન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે આવા લોકોને પોતાની જાત પર શરમ આવવી જોઈએ જેઓ આતંકી હુમલા કરનારનું તો સમર્થન કરે છે પરંતુ આતંકીઓને સફાયો કરવા માગતા ઈઝરાયેલની ટીકા કરે છે.

હમાસ પોતે જ પેલેસ્ટિની નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યું છે તેમ સ્પષ્ટ કરતાં નેતન્યાહુએ કહ્યું કે IDF (ઇઝરાયેલ સંરક્ષણ દળો) એ પેલેસ્ટિનિયન નાગરિકોને નુકસાનથી બચાવવા માટે લાખો ફ્લાયર્સ મોકલ્યા છે, લાખો ટેક્સ્ટ સંદેશા મોકલ્યા છે અને હજારો ફોન કૉલ્સ કર્યા છે. હમાસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટિનિયન નાગરિકોને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયાસો કરે છે. તેઓ શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદો પરથી રોકેટ છોડે છે. જ્યારે હમાસના આતંરીઓ યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગવા મજબૂૂર થાય છે ત્યારે તેઓ પેલેસ્ટિની નાગરિકોને ઉપર જ ગોળીબાર કરે છે, અને એ હત્યાકાંડનો ખોટો આરોપ ઈઝરાયેલ ઉપર આવે છે. આ સંદર્ભમાં ઈઝયેલી વડાપ્રધાને હમાસના વરિષ્ઠ અધિકારી ફાતિહ હમાદને ટાંકીને કહ્યું કે ફાતિહે પોતે દાવો કર્યો હતો કે પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકો માટે માનવ ઢાલ બનવું હમાસ માટે ફાયદાકારક છે.

નેતન્યાહુએ યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું કે દરેક નાગરિકનું મૃત્યુ ઇઝરાયલ માટે દુઃખની વાત છે. જ્યારે આ હમાસ એવી વ્યૂહરચનાની ઇચ્છા રાખે છે કે વધુને વધુ પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામે જેથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઇઝરાયેલની બદનામી થાય. તેઓ ઇઝરાયેલ પર યુદ્ધ જીતે તે પહેલા તેનો અંત લાવવા માટે દબાણ લાવવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હમાસે 7 ઓક્ટોબર જેવા હુમલાનું પુનરાવર્તન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, હું તમને ખાતરી આપવા માંગુ છું કે મારા પર ગમે તેટલું દબાણ હશે તો પણ હું ક્યારેય એવું થવા દઈશ નહીં.

આ પણ વાંચોઃ આતંકીઓ ઉઠાવી શકે છે ફાયદો: મમતા બેનરજીના શરણાર્થીઓને શરણના નિવેદન પર બાંગ્લાદેશ

Back to top button