ઊંઝાઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો સપાટો, બનાવટી જીરૂ-વરિયાળી બનાવતી ચાર ફેક્ટરી પર દરોડા
- ઊંઝા તાલુકાના ઉનાવા, ઐઠોર અને મક્તુપુર ગામે બનાવટી જીરૂ અને વરિયાળી બનાવતી ચાર ફેકટરીઓ ઉપર દરોડા, ૧૧ નમુના લેવામાં આવ્યા
- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથક, ગાંધીનગર અને મહેસાણાની ટીમ દ્વારા કાર્યવાહી
ગાંધીનગર, 6 એપ્રિલ, 2024: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરીની સંયુક્ત ટીમો દ્વારા તાજેતરમાં ઊંઝા તાલુકામાં તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ઉનાવા, ઐઠોર અને મક્તુપુર ગામોમાં જીરૂ અને વરિયાળીનું ક્લિનિંગ-શોર્ટીંગ કરતી વિવિધ ફેક્ટરીઓ અને તેના ગોડાઉનમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્યાન સૌપ્રથમ, ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીરૂ અને વરિયાળીનું ક્લિનિંગ – શોર્ટીંગ કરનાર “મે.પટેલ પ્રકાશભાઈ શિવરામભાઈનું ગોડાઉન, ૨૮-૨૯, સિદ્ધિ વિનાયક એસ્ટેટ, મુ. ઐઠોર, તા. ઉંઝા, જિ. મહેસાણા“ ખાતે તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ પટેલ પ્રકાશભાઈ શિવરામભાઈ દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં, પેઢીમાં જોવા મળેલા મિક્સ પાવડર, ગોળની રસી અને વરિયાળીના ભુસાને આધારે જીરૂનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ચાર, (૧) જીરૂ, (૨) વરીયાળીનું ભુસૂ (લૂઝ)(એડલ્ટ્રન્ટ), (૩) મિક્સ પાઉડર (લૂઝ) (એડલ્ટ્રન્ટ) અને (૪) ગોળની રસી(લૂઝ)(એડલ્ટ્રન્ટ) પૃથક્કરણ સારૂ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુમાં, બાકી રહેલ (૧) ૧,૬૧૦ કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૪૫,૦૮૦/-, (૨) ૯૬૦ કિલોગ્રામ મિક્સ પાઉડર (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૯૨૦/- અને (૩) ૨૦૦૦ લિટર ગોળ ની રસી(લૂઝ) )(એડલ્ટ્રન્ટ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૨૦,૦૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ત્યારબાદ, ઉનાવા ગામ ખાતે આવેલી “મે. પટેલ રાકેશકુમાર તળશીભાઈની ફેક્ટરી”, ગોડાઉન નં. ૬૮ થી ૭૨, શિવગંગા એસ્ટેટ, ઉનાવામાં તપાસ દરમિયાન પેઢીના માલિક પટેલ રાકેશકુમાર તળશીભાઈની હાજરીમાં વરિયાળી (લૂઝ) નો નમૂનો લઈ પૃથક્કરણ સારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તે જ વિસ્તાર ખાતેથી અન્ય એક પેઢી નામે મે. પટેલ હર્ષદભાઈ ખોડીદાસનું ગોડાઉન, નં. ૭૧ થી ૭૬, શિવગંગા એસ્ટેટ, ઉનાવા ખાતેની ફેક્ટરીમાં હાજર વરિયાળી નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિ એ શંકાસ્પદ જણાઈ આવતા, સદર પેઢીમાંથી વરિયાળી (લૂઝ) અને લીલો કલર (લૂઝ) (એડલ્ટ્રન્ટ) એમ કુલ બે નમૂના પૃથક્કરણ સારૂ લેવામાં આવ્યા હતા. બાકી રહેલી (૧) ૮૯૮ કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૮૦,૮૨૦/, (૨) ૧૯ કિલોગ્રામ લીલો કલર (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૯૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ જ દિવસે, મક્તુપુર ખાતેથી અન્ય એક સ્થળ એચ.પી.પેટ્રોલ પંપની સામે, નાગદેરી રોડ, મુ. મક્તુપુર, તા. ઊંઝા ખાતે આવેલી પેઢી “એમ. એમ. એસ્ટેટ“ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. પેઢીમાં શ્રીમાળી દિવ્યેશકુમાર ચતુરભાઈની હાજરીમાં પેઢીમાંથી શંકાસ્પદ જણાયેલા કુલ ચાર નમૂના (૧) પ્રોસેસ્ડ વરીયાળી (૨) વરીયાળી (લૂઝ), (૩) વ્હાઈટ પાઉડર (એડલ્ટ્રન્ટ) અને (૪) ગોળની રસી(લૂઝ) (એડલ્ટ્રન્ટ) પૃથક્કરણ સારૂ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુમાં, બાકી રહેલી (૧) ૬૦૫૦ કિલોગ્રામ પ્રોસેસ્ડ વરિયાળી -અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૭,૮૬,૫૦૦/-, (૨) ૩૦ કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૩૯૦/- અને (૩) ૬૬૦ કિલોગ્રામ વ્હાઈટ પાઉડર (એડલ્ટ્રન્ટ) – અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૩૨૦/- (૪) ૩૦ લિટર ગોળની રસી(લૂઝ) (એડલ્ટ્રન્ટ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૬૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર અને મહેસાણા વર્તુળ કચેરી ટીમોની સંયુક્ત કામગીરી દરમિયાન વિવિધ ચાર સ્થળ પરથી શંકાસ્પદ ખોરાક અને એડલ્ટ્રન્ટના કુલ ૧૧ નમૂના લઈ લેબોરેટરી ખાતે તપાસ સારૂ મોકલી આપ્યા છે.
આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશીયાએ એક યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતઃ CBIની વિશેષ અદાલતે સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણને કેદ અને દંડની સજા કરી